રાજકોટ ફાયર વિભાગ કંટ્રોલરૂમનાં ફોન બપોરે 12:20 વાગ્યાથી અચાનક ઠપ્પ થઈ ગયા હતા. BSNLની સેવા ખોરવાઈ જવાને કારણે દોઢ કલાક કરતા વધુ સમયથી તમામ ફોન બંધ થયા હતા. જેને લઈને અધિકારીઓમાં પણ દોડધામ મચી ગઇ હતી. ફાયર વિભાગ દ્વારા BSNL કંપનીના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી ટેકનીકલ ફોલ્ટ શોધી ટૂંક સમયમાં સેવા પૂર્વવત કરાઈ હતી. ફોન ઠપ્પ થયા હતા તે દરમિયાન સાવચેતીના ભાગરૂપે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે પોતાના સહિત બે નંબરો જાહેર કર્યા હતા. લોકોને ઇમરજન્સી કામ માટે સંપર્ક કરવા અપીલ કરી હતી.
ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આજે બપોરના 12:20 કલાકથી અચાનક BSNLની લાઈનમાં ફોલ્ટ આવવાને કારણે ફાયર વિભાગના 101 અને 102ની સાત લાઇન તેમજ 0281 2227222 સહિતના ઇમરજન્સી નંબરો બંધ થયા હતા. આ મામલે BSNLનાં ટેક્નિકલ ઓફિસર અમિતભાઈનો સંપર્ક કરતા તેમણે ઓચિંતો ટેક્નિકલ ફોલ્ટ આવવાને કારણે આ લાઇન બંધ થઈ હોવાનું અને ટૂંક સમયમાં શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
આ અંગેની અમને અગાઉથી કોઈ જાણ નહિ હોવાને કારણે કોઈ આગોતરું આયોજન કરી શકાયું નહોતું પણ ફાયર સ્ટેશનોમાં રૂબરૂ અને અધિકારીઓનાં ફોન નંબર પર ફરિયાદોની કામગીરી ચાલુ હતી. આ ઉપરાંત હાલ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મારા નં. 7622019100 અને અમારા સેન્ટ્રલ ઝોનનાં ફાયર ઓફિસર મુબારકભાઈ જુણેજાનાં નંબર 9714687865 પર સંપર્ક કરવા માટે અપીલ કરી હતી.