રાજકોટ ડેરી દ્વારા હજારો દુધ ઉત્પાદકોના હિતમાં નિર્ણય લેવાયો છે અને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂા. 10નો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા તથા નિયામક મંડળના સભ્યોએ સંઘ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. જે અંતર્ગત હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે વધુ આધાર મળે તે હેતુથી દૂધ સંઘ દ્વારા દૂધના ભાવમાં રૂા. 10 પ્રતિ કિલો ફેટનો વધારો કરાયો છે. હાલ દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટ રૂ. 810 ચૂકવવામાં આવી રહ્યા છે. જે આવતીકાલ તા. 21થી વધારી રૂ. 820 કરવામાં આવશે. આ નિર્ણયથી રાજકોટ દૂધ સંઘ સાથે જોડાયેલા કુલ 50,000 દૂધ ઉત્પાદકોને સીધો આર્થિક લાભ થશે.
અન્ય બનાવમાં રાજકોટ ભક્તિનગર સ્ટેશન ખાતે આવતી 4 ટ્રેનો જેવી કે, ટ્રેન નં. 19571 રાજકોટ-પોરબંદર લોકલ, ટ્રેન નં. 19208 રાજકોટ-પોરબંદર લોકલ, ટ્રેન નં. 59423 રાજકોટ-પોરબંદર લોકલ, ટ્રેન નં. 59421 રાજકોટ-વેરાવળ લોકલનો હાલનો હોલ્ટનો સમય માત્ર એક મિનીટનો હોવાથી મુસાફરોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખુબ જ મોટી સંખ્યામાં મુસાફરો કોચમાં ચડવવાથી, ટ્રેન ચુકી જવાની વારંવાર ઘટના બનવી, જે વરિષ્ઠ નાગરીકો, મહિલાઓ અને નાના બાળકો સાથેના મુસાફરોને અસર કરે છે. ત્યારે આ મુસાફરોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી ભક્તિનગર સ્ટેશન ખાતે આવતી ચારેય ટ્રેનોના હોલ્ટનો સમય બે મીનીટનો કરવા રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ અને DRUCC મેમ્બર પાર્થભાઈ ગણાત્રા દ્વારા રાજકોટ ડિવીઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.