રાજકોટમાં ચાલુ વર્ષે જન્માષ્ટમીનો લોકમેળો 14થી 18 ઓગસ્ટ દરમિયાન યોજાવાનો છે. ત્યારે ગત વર્ષે વરસાદના કારણે મેળો ધોવાઈ જતા રદ થયો હતો અને વહીવટી તંત્ર દ્વારા 100 ટકા રિફંડ ચૂકવવામાં આવ્યું હતુ. જોકે, આ લોકમેળામાં એક સાથે 31 જેટલી રાઈડ રાખતા વિરેન્દ્રસિંહ ગોહિલે પેટા કોન્ટ્રાક્ટમાં ભાડે આપેલા 4 ચકડોળના રૂ. 23.40 લાખ પરત નહીં આપી છેતરપિંડી કર્યાની માણાવદરના પૃથ્વીરાજ પંચાલે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જુનાગઢ જિલ્લાના માણાવદરમાં રહેતા અને મેળાઓમાં યાંત્રિક રાઇડ રાખતા પૃથ્વીરાજ રમેશભાઈ પંચાલે રેલનગરમાં રાધે પાર્ક શેરી નંબર 1માં ગુરુકૃપા મકાનમાં રહેતા વિરેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ સામે પ્રદ્યુમનનગર પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યુ છે કે, લોકમેળામાં યાંત્રીક રાઈડો (ચગડોળ)નો ધંધો કરૂ છું. વર્ષ 2024માં 24થી 28 ઓગસ્ટ દરમિયાન રાજકોટ ખાતે રેસકોર્ષમાં ધરોહર મેળો યોજાયો હતો, જેનુ ટેન્ડર વિરેન્દ્રસિંહ ગોહેલ પાસે હતુ. તેમનાં દ્વારા એક સાથે તમામ 31 જેટલી રાઈડ રાખવા માટેના પ્લૉટ ભાડે રાખવા માટે રૂ.1.27 કરોડ ભર્યા હતા.
ફરિયાદીએ 4 પ્લોટના 23.40 લાખ વિરેન્દ્રસિંહને આપ્યા હતા જે પેટા કોન્ટ્રાકટમાં રાઈડ ભાડે આપતા હોવાથી તેનો કોન્ટેકટ કર્યો હતો. હું વિરેન્દ્રસિંહને રાજકોટ સ્થિત જૂની કલેકટર કચેરી ખાતે મળેલ હતો અને તેમને જણાવ્યું હતું કે, મારે તમારી પાસેથી પેટા કોન્ટ્રાકટમા ચકડોળના ચાર પ્લોટ લેવા છે. જેથી તેણે મને જણાવેલ કે, એક પ્લોટના રૂ.5,85,000 ભાવ છે. જેથી મેં હા પાડતા મેં તેને જણાવેલ કે મારે ચાર પ્લોટ લેવાના છે. જેથી તેણે મને કહેલ કે તમે ચાર પ્લોટના કુલ રૂપિયા 23.40 લાખ લઈ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આવજો. જેથી 23/08/2024ના હુ તથા મારા દાદા રામજીભાઈ રોકડા પૈસા લઈને રાજકોટ ખાતે ઈન્ડીયન બેંકે ગયા હતા, ત્યા વિરેન્દ્રસિંહ પાસે જાકીરભાઈ બ્લોચ, ફારૂકભાઈ અને કાનાભાઈ પણ હાજર હતા. મેં આ લોકોની હાજરીમાં આ વિરેન્દ્રસિંહને રોકડા રૂ.23.40 લાખ આપ્યાં હતા. જે રૂપિયા તેમને લોકમેળા સમિતિના ખાતામાં જમા કરાવ્યાં હતા. મને તેને ચાર પ્લોટ આપ્યાં હતા અને મને જણાવ્યું હતું કે, તમને ચાર પ્લોટનો એલોટમેન્ટ લેટર આપવામાં આવશે, પણ એલોટમેન્ટ લેટર આ વિરેન્દ્રસિંહના નામનો આવેલો હતો.