રાજકોટ જિલ્લામાં 2,000થી વધુ ધાર્મિક દબાણો હોવાનું કલેકટર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જોકે, તેનાં નામો જાહેર કરવામાં આવ્યા નથી. નડતર રૂપ હોય તેવા ધાર્મિક દબાણોને નોટિસ ફટકારી ત્વરિત કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પ્રાંત અધિકારીઓને સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે નોટિસ ફટકારવાનું ક્યારથી શરૂ થશે અને કઈ રીતે ધાર્મિક દબાણો હટાવવાનું ફૂલપ્રૂફ પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યુ છે, તેની કોઈ જ વિગતો આપવામાં આવી નથી.
હાલ ધાર્મિક દબાણોને લઈને હાઇકોર્ટ સતત સરકારને સૂચનાઓ આપી રહી છે. તેવામાં સરકારના આદેશ અનુસાર જિલ્લા કક્ષાએ નડતર રૂપ ધાર્મિક દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં રાજકોટ જિલ્લામાં પણ 2,000 જેટલા નાના-મોટા ધાર્મિક દબાણો હોવાનુ સામે આવ્યુ છે. જિલ્લા કલેકટર પ્રભવ જોષીના જણાવ્યા અનુસાર, આવા કિસ્સાઓમાં 2 વિકલ્પ હોય છે. સમજાવટથી અલગ જગ્યાએ શિફ્ટ કરવામાં આવે અથવા રેગ્યુલરાઈઝ થઈ શકે તેવી જગ્યાને રેગ્યુલરાઈઝ કરવામાં આવી શકે છે. જો આ 2 વિકલ્પમાં સહમતી ન મળે તો તેવા દબાણોને તોડી પાડવામાં આવતા હોય છે.