રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભૂંજાઇ જવાની હૃદયદ્રાવક ઘટના બાદ વિવિધ પરિવારોને ન્યાય માટે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે આજથી ધરણાં અને ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યાં છે. ત્યારે આ અંગે જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે સુભાષ ત્રિવેદી જેમના વડા છે એવી સ્પેશિયલ ભીનું સંકેલો સમિતિ અમારે જોઈતી નથી. તેમણે મોરબીની પુલ દુર્ઘટના હોય કે લઠ્ઠાકાંડ, એની તપાસમાં અત્યારસુધીમાં એકપણ કેબિનેટ મંત્રી કે IAS-IPSની ધરપકડ કરી નથી, જેથી નિર્લિપ્ત રાય, સુજાતા મજમુદાર અને સુધા પાંડે જેવા પ્રામાણિક અને મજબૂત અધિકારી ન હોય તો ન્યાય મેળવાની આશા પીડિતો કે અમને ન હોઈ શકે, જેથી આ પ્રકારના અધિકારીઓની SIT બનાવવામાં આવે એ જરૂરી છે.
કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે પીડિતોના પરિવારોને 4 લાખને બદલે રૂ. 1 કરોડની સહાય આપવામાં આવે. આ સાથે જ દોઢથી બે વર્ષમાં જ ટ્રાયલ પૂરી થાય અને પીડિતોના પરિવારોને ન્યાય મળે એ માટે આજથી ત્રણ દિવસ રાજકોટ શહેરના ત્રિકોણ બાગ ખાતે કોંગ્રેસપક્ષ દ્વારા ધરણાં અને ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યાં છે. જ્યાં સુધી પીડિતોના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવાના નિર્ધાર સાથે અહીં બેઠા છીએ.