રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સંસ્કાર પેનલના કલ્પકભાઈ મણિયાર સહિત પાંચ ઉમેદવારોના ફોર્મ રદ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ કલ્પકભાઈ મણિયાર અને મિહિર મણિયાર દ્વારા કલેકટરના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે આજે સુનાવણી યોજતા મેનેટેનેબિલિટીના બેઝ પર અરજી નકારી કાઢતા કલ્પક મણિયાને ઝટકો લાગ્યો છે. 17મી તારીખે યોજાનારી નાગરિક બેંકની ચૂંટણીમાં મામા જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલ સામે ભાણેજ કલ્પક મણિયારની સંસ્કાર પેનલ આવતા નાગરિક સહકારી બેંકનો ચૂંટણી જંગ રસપ્રદ બન્યો હતો. જોકે, ફોર્મની ચકાસણી સમયે કલ્પક મણિયાર સહિત પાંચ ઉમેદવારોના ફોર્મ રદ કરી દેવાતા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા.
રાજકોટ નાગરિક સહકારી બેંકના ડાયરેક્ટની ચૂંટણીનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો હતો. જેમાં અરજી કરનારાઓ મણિયાર કલ્પકભાઈ અરવિંદભાઈ અને મણિયાર મિહિર ભાઈ અરવિંદભાઈ વતી એડવોકેટ પંકજ ચાંપાનેરી ઉપસ્થિત થયા હતા. જ્યારે રાજકોટ નાગરિક સહકારી બેંક વતી એડવોકેટ જાલ ઉનવાલા ઉપસ્થિત થયા હતા. બેંક તરફથી ઉપસ્થિત રહેલા એડવોકેટ જાલ ઉનવાલાએ જણાવ્યું હતું કે આ અરજીમાં બેંકને જ પક્ષકાર બનાવવામાં આવી નથી. જ્યારે પંકજ ચાપાનેરીએ જણાવ્યું હતું કે આ બેન્કના ડિરેક્ટરની ચૂંટણી છે અને તેમને રીટર્નિંગ ઓફિસરના કામ સામે વાંધો છે. આ રીટનિંગ ઓફિસરની નિમણૂક સેન્ટ્રલ રજીસ્ટર કરતા હોય છે જે મિનિસ્ટ્રી ઓફ કો- ઓપરેશનને જવાબદાર હોય છે. જેથી રીટનિંગ ઓફિસર અને સહકાર મંત્રાલયને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.