રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ સિવિલની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા 53 વર્ષીય ચૌલાબેન પટેલની તેના જ ઘરમાં પાડોશમાં રહેતા યુવકે છરીના ઘા મારી હત્યા નિપાજવી દેતા ચકચાર મચી છે. પાડોશીઓએ આરોપીને પકડીને પોલીસે સોંપી દેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, નર્સની હત્યા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી. મૃતક નર્સ આ પહેલા અમદાવાદમાં ફરજ બજાવતા હતા ચાર મહિના પહેલા તેની રાજકોટ બદલી થતા તેઓ રાજકોટમાં ફરજ બજાવતા હતા.
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર FSL કચેરી પાછળ આવેલા ઋષીકેશ પાર્ક 2માં ‘ઉમીયાજી કૃપા’ નામના મકાનમાં ઉપરના માળે છેલ્લા ચારેક મહિનાથી ભાડેથી રહેતાં અને રાજકોટની સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતાં મુળ અમદાવાદના ચૌલાબેન ત્રિભોવનદાસ પટેલ (ઉ.વ.53)ની ગઈકાલે રાત્રે તેના જ મકાન પાછળ રહેતાં પડોશી કાનજી ભીમાભાઇ વાંજા નામના 34 વર્ષના શખ્સે ગળુ દાબી છરીના ઘા ઝીંકી ક્રુર હત્યા કરી નાંખી છે. હત્યા કરનારા કાનજીને પણ હાથ-પગમાં છરીના ઘા લાગી ગયા છે. તે ભાગી જાય એ પહેલા નીચેના માળે રહેતાં દંપતી અને પડોશીઓએ તેને પકડીને પુરી દીધો હતો અને પોલીસને બોલાવી સોંપી દીધો હતો. બળજબરીનો પ્રયાસ સફળ નહિ થતાં કાનજીએ આ ખૂની ખેલ ખેલ્યાની શક્યતાએ પોલીસે તેની આકરી પુછપરછ હાથ ધરી છે.
ઋષિકેશ પાર્ક-2માં આવેલા સુરેશભાઇ ગોઢાણીયાની માલિકીના બે માળના મકાનમાં નીચેના માળે નિલમબેન અને તેમના પતિ પિયુષભાઇ દલસાણીયા રહે છે અને ઉપરના માળે મુળ અમદાવાદના કુહા ગામના વતની ચૌલાબેન પટેલ રહે છે. રાત્રે ચૌલાબેન પટેલની તેના જ ઘરમાં હત્યા થઇ ગયાની જાણ 108 મારફત થતાં યુનિવર્સિટી પોલીસ પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ પંડયા, એએસઆઇ હિતેષભાઇ જોગડા, હેડકોન્સ. જયંતિભાઇ, સિધ્ધરાજસિંહ તેમજ ડી. સ્ટાફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બનાવને પગલે ડીસીપી જગદીશ બાંગરવા પણ પહોંચી ગયા હતાં. પંચનામુ કરી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કર્યો હતો.