રાજકોટના વેપારીને દ્વારકા બોલાવી 1.20 કરોડ પડાવ્યા

રાજકોટના વેપારીને હની ટ્રેપમાં ફસાવી દશ કરોડની માંગણી કરી રૂા. 1.20 કરોડ પડાવી લીઘા હોવાની ફરીયાદ એક યુવતિ તથા પોલીસની ઓળખ આપનારા યુનિફોર્મ પહેરેલા બે શખસો સહિત ત્રણ સામે દ્વારકા પોલીસ મથકમાં નોંધાતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. યુવતિએ વેપારીનો સંપર્ક સાધ્યા બાદ દ્વારકા દર્શને બોલાવ્યા બાદ ઓખાઢી ટોલનાકા પાસે પોલીસની ઓળખ આપી રેસ પહેરેલા બે શખસે કાર રોકી તપાસણી કરતી પર્સમાંથી મળેલી સફેદ પડીકી ડ્રગ્સ હોવાનુ કહી કેસમાં ફસાવવાની ધમકી આપી માતબર રકમ પડાવી લીઘુ હોવાનુ સામે આવ્યુ છે.

હનીટ્રેપમાં સંડોવાયેલા તમામને દબોચી લેવા માટે કવાયત શરૂ કરી છે.પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર રાજકોટમાં રહેતા એક વેપારી સાથે સોશિયલ મિડીયા મારફતે આરશુ સિંધ ઉર્ફે નિકિતા નામધારી યુવતિએ સંપર્ક સાધ્યો હતો. જે બાદ સંબંધ આગળ ધપાવવાનુ કહીને વેપારીને દ્વારકા દર્શને બોલાવ્યા હતા.જે દરમિયાન તેઓ કારમાં ઓખામઢી ટોલનાકા પાસે રોડ પર પસાર થઇ રહયા હતા જે વેળાએ સુનિયોજીત પ્લાનના ભાગરૂપે કારને બે શખસે અટકાવી હતી.જે પોલીસ ડ્રેસમાં આવ્યા હતા જેના યુનિફોર્મમાં સંજય કરંગીયા અને એસ. કે. સોલંકી લખ્યુ હોવાનુ સામે આવ્યુ છે.જે બંનેએ કારની તલાશી લીઘી હતી.

આ તલાશી દરમિયાન યુવતિના પર્સમાં સફેદ પાઉડરની પડીકી નિકળતા ડ્રગ્સ હોવાનુ જણાવી કેસ કરવાનુ કહ્યુ હોવાનુ ખુલ્યુ છે. જે દરમિયાન યુવતિએ કથિત રીતે સેટીંગ કરી પોલીસવાળાને દશ કરોડ આપવા પડશે એમ કહ્યુ હતુ. બીજી બાજુ આ બનાવના પગલે હતપ્રત બની ગભરાયેલા વેપારીએ બીકના પગલે રાજકોટથી આંગડીયા મારફતે રૂા. 1.20 કરોડ મંગાવી આપ્યા હતા.જે આરોપીઓ વેપારીને બીક બતાવી બ્લેક મેઇલ કરવાનુ સતત ચાલુ રાખ્યુ હતુ જે દરમિયાન યુવતિએ પણ બાકી રૂા. 7.80 કરોડની રકમ ચુકવવાનુ જણાવી જો પૈસા નહી અપાય તો દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની પણ ધમકી ઉચ્ચારી હોવાનુ સામે આવ્યુ છે.

આખરે આ સમગ્ર મામલો દ્વારકા પોલીસ મથકમાં પહોચ્યો હતો જેના પગલે પોલીસે ભોગગ્રસ્ત વેપારીની ફરીયાદ પરથી ત્રણેય સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. હનીટ્રેપમાં ફસાવી રાજકોટના વેપારી પાસેથી માતબર રકમ ખંખેરી લેવાના આ બનાવના પગલે દેવભૂમિ પંથમાં પણ ભારે ચકચાર જગાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *