રાજકોટ ભાજપનાં મહિલા કોર્પોરેટરને પગમાં ગોળી વાગી

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.17ના ભાજપનાં કોર્પોરેટર અનિતાબેન ગૌતમગિરિ ગોસ્વામીને બે દિવસ પહેલાં અકસ્માતે પગમાં ગોળી વાગી જતાં ઈજા થવા પામી હતી, જેને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. બનાવ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

અનિતાબેને જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં સોમવારે લગ્નપ્રસંગે જવાનું હોવાથી સાંજના સમયે 5.30 વાગ્યા આસપાસ તિજોરીમાંથી ઘરેણાં કાઢી રહી હતી, જ્યાં પતિની લાઇસન્સવાળી રિવોલ્વર પણ પડી હતી, જે નીચે પડતાં એમાંથી ફાયરિંગ થઇ ગયું હતું, જેની ગોળી પગમાં વાગી જતાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી, ત્યાર બાદ બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ પગમાંથી ગોળી કાઢી લેવામાં આવી છે અને તબિયત સ્થિર છે.

નારાયણનગર શેરી નં.2માં રહેતાં અને બે ટર્મથી કોર્પોરેટર અનિતાબેનને પગમાં ગોળી વાગી હોવાની જાણ થતાં ભક્તિનગર પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં, જે રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું એને એફએસએલમાં મોકલવા માટે પણ તજવીજ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રિવોલ્વર લોક કરેલી હતી, આમ છતાં એમાંથી ફાયરિંગ કઈ રીતે થયું એ એક સવાલ છે. રિવોલ્વરનું લાઈસન્સ તેના પતિના નામે હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *