રાજકોટ BJP સાંસદે ભ્રષ્ટાચારની વાત સ્વીકારી

અલગ અલગ મુદ્દે પોતાની વાત રજૂ કરી ચર્ચામાં રહેતા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ રાજકોટ તોલમાપ વિભાગમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડી વધુ એકવાર ચર્ચામાં આવ્યા છે. સાંસદે કહ્યું હતું કે તેમના પરિચિત એક વેપારીને તોલમાપ વિભાગના અધિકારી હેરાન કરતા હોઈ, મને ફોન આવ્યો હતો, જેથી મેં કહ્યું હતું કે તમારે જે નિયમ મુજબ દંડનીય કાર્યવાહી થતી હોય એ કરો, પણ હેરાનગતિ ન કરતા. ત્યાર બાદ વેપારીનો મને ફોન આવ્યો હતો કે અધિકારીએ રૂ.12 હજારનો દંડ કર્યો અને વધારાના 25 હજારનો તોડ કરી ગયા, જેથી સાંસદે તરત જ અધિકારીને ફોન કરી ખખડાવતાં અધિકારી દસ જ મિનિટમાં વેપારીને પૈસા પરત આપી આવ્યા હોવાની વાત કરી હતી.

રામ મોકરિયાએ વેપારીઓને અપીલ કરી હતી કે તેમની પાસે કોઈ અધિકારી પૈસા માગે તો એસીબીમાં ફરિયાદ કરે અથવા અમારા જેવા લોકપ્રતિનિધિઓનું ધ્યાન દોરે. સાંસદે સ્વીકાર્યું હતું કે આ પ્રકારના અધિકારીઓ સામે ફરિયાદ કરતાં વેપારીઓ ડરતા હોય છે.

રામ મોકરિયા, સાંસદ, રાજ્યસભા.
રામ મોકરિયા, સાંસદ, રાજ્યસભા.
મેં ફોન કરતાં અધિકારીએ 10 મિનિટમાં પૈસા પાછા આપી દીધા- સાંસદ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે ગઈકાલે(3 જૂન) સાંજે પાંચ વાગ્યે રાજકોટના એક કારખાનેદાર એવા સામાજિક અગ્રણીનો મને ફોન આવ્યો હતો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને ચેક કરે છે. જેમના દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે, જેથી મેં તે ભાઈને કહ્યું કે તેમને ફોન આપો, જેથી તોલમાપ ખાતાના અધિકારી બંસીલાલ ચૌહાણે મારી સાથે વાત કરી, જેથી મેં તે અધિકારીને કહ્યું કે ધોરણસરનો દંડ થતો હોય એ લઈ લો, બાકી હેરાનગતિ ન કરતા. જેની દસ મિનિટ પછી વેપારીનો મને ફોન આવ્યો હતો કે આ ભાઈએ મારું કામ પતાવી દીધું છે અને રૂપિયા 12 હજાર દંડ કર્યો છે.

એ બાદ મેં પૂછ્યું કે બીજા કોઈ પૈસા લીધેલા છે, જેથી તે વેપારીએ મને કહ્યું કે હા, રૂ. 25,000 લઈ ગયા છે, જેથી મેં તે અધિકારીને કહ્યું કે મેં તમને ફોન કર્યો હતો કે આ વેપારીને હેરાન ન કરતા છતાં તમે વધારાના પૈસા લીધા, જેથી તે અધિકારીએ કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ છે, જેથી મેં તમને કહ્યું કે તો તેમને પૈસા પાછા આપી દો. જેથી તે અધિકારીએ વેપારીને 10 મિનિટમાં પૈસા પાછા આપી દીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *