રાજકોટ-ભાવનગર હાઇવે પર દિન-પ્રતિદિન વધતા જતાં ટ્રાફિકને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે બજેટમાં કરેલી જોગવાઇ મુજબ હવે હાઇસ્પીડ રોડ કોરિડોર બનાવવાનું આયોજન કર્યું છે. રાજકોટ-ભાવનગર હાઇવે રૂ.2100 કરોડના ખર્ચે સિક્સલેન હાઇસ્પીડ રોડ કોરિડોર બનશે અને તેના પરિણામે 27 હજારથી વધુ પીસીયુ (પેસેન્જર કાર યુનિટ)ને ફાયદો થશે.
રાજકોટ માર્ગ અને મકાન વિભાગ(રૂરલ)ના સૂત્રોએ જણાવ્યા અનુસાર રાજકોટ-ભાવનગરના આશરે 180 કિ.મી.ના હાઇવેને હવે હાઇસ્પીડ રોડ કોરિડોર બનાવવા રાજ્ય સરકારે આયોજન કર્યું છે અને તેના માટે બજેટમાં રૂ.2100 કરોડ ફાળવ્યા છે. જેમાંથી પ્રથમ ફેઝની કામગીરી રૂ.295 કરોડ મંજૂર કરી દેવાયા છે. જેમાં રાજકોટ-ભાવનગર હાઇવે પર કેટલા હોટેલ-રેસ્ટોરન્ટ અને રહેણાકોના દબાણો છે, કેટલી જમીન સંપાદન કરવાની છે, કેટલા ધાર્મિક દબાણો છે સહિતની કામગીરી મેકવે કન્સલ્ટન્સીને સોંપવામાં આવી છે. એક સરવે મુજબ રાજકોટ-ભાવનગર હાઇવે પર હાલમાં દરરોજ 27030 પેસેન્જર કાર યુનિટ દોડે છે. આ વાહનચાલકોને પોતાની મંજિલે પહોંચવા માટે કોઇ ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે સિક્સલેન હાઇસ્પીડ રોડ કોરિડોર બનાવવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. જેના પરિણામે વાહનચાલકોના મહામૂલા સમયની બચત થશે અને પેટ્રોલ-ડીઝલની પણ બચત થશે. હાલમાં રાજકોટ-ભાવનગર હાઇવે પર રિ-સર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને પણ આ પ્રોજેક્ટ અંતર્ગત આવરી લેવામાં આવી છે.
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રથમ ફેઝમાં રાજકોટથી ભાવનગર હાઇવે પર 70 કિ.મી.ના માર્ગના ડેવલપમેન્ટની કામગીરી કરાશે. જેમાં નવા ફ્લાય ઓવર બનાવવા, જમીન સંપાદન કરવી, સપાટી સુધારણા કરવી, હાઇવે પરના ગેરકાયદે દબાણો દૂર કરવા સહિતની કામગીરી કરાશે.