રાજકોટ એઇમ્સના સિક્યુરિટી ગાર્ડ મિત્રના ઘરે બેભાન થઇ ઢળી પડ્યો

રાજકોટ શહેરના ભગવતીપરા નંદનવન સોસાયટીમાં રહેતો 25 વર્ષીય ધવલ પ્રવિણભાઇ રાઠોડ નામનો યુવાન સાંજે કનકનગરમાં મિત્રના ઘરે હતો, ત્‍યારે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ પરંતુ અહીં મૃત્યુ નિપજતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. ધવલ અપરિણીત હતો. તે એઇમ્‍સમાં સિક્‍યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. મિત્ર તુષાર પણ સિક્‍યુરીટી ગાર્ડ છે. ધવલ સાંજે મિત્રને મળવા ગયો ત્‍યારે મિત્રની નજર સામે જ ઢળી પડયો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં હૃદય બેસી જતાં મૃત્‍યુ થયાનું સામે આવ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે થોરાળાના પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

24 વર્ષીય વિશાલ ભીખાભાઈ બગડા નામનાં યુવકે આજે સવારે પોતાનાં ઘરે ફિનાઈલના ટીકડા ખાઈ લીધા હતા. જે બાદ યુવકને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિશાલના લગ્ન એક વર્ષ પહેલાં થયાં હતાં. લગ્નના થોડો સમય બાદ કોઈને કોઈ બાબતે તેની પત્નીને સાસુ સાથે ઝઘડાઓ થતાં હતા. વારંવાર થતાં ઝઘડાઓ અને ઘરકંકાસથી કંટાળી યુવકે ફિનાઈલના ટિકડા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વિશાલ એક ભાઈ અને બે બહેનમાં સૌથી નાનો છે. બનાવનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *