ઉનાળાના આકરા તાપ પડી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં ચિકનગુનિયા અને મેલેરિયાનો એક-એક કેસ નોંધાયો છે. જ્યારે સિઝનલ રોગચાળો એટલે કે તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઊલટી સહિતની બીમારીઓના 1689 કેસ નોંધાયા છે. બીજીબાજુ મોરબી રોડ પર એક 3 વર્ષની બાળકીનું ઊલટીથી મોત નીપજ્યાનું સિવિલના ચોપડે નોંધાયું છે.
મોરબી રોડ પર સોહમનગર-2માં રહેતા પરિવારની રક્ષિતા ભાવેશભાઇ પરમાર નામની 3 વર્ષની બાળાને ઊલટી થતા સારવાર માટે સિવિલમાં ખસેડાઇ હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં બાળાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે 24-3થી 30-3 સુધીમાં ચિકનગુનિયા અને મેલેરિયાના 1-1, શરદી-ઉધરસના 767, સામાન્ય તાવના 730 , ઝાડા-ઊલટીના 187, ટાઇફોઇડનો 1 અને કમળાના 2 દર્દી નોંધાયા છે.
આરોગ્ય વિભાગે જાહેર કર્યું હતું કે, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ એક સપ્તાહ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 22585 ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 988 ઘરમાં ફોગિંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 313 પ્રિમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાકમાં 104 અને કોમર્સિયલ 47 આસામીને નોટિસ આ૫વામાં આવી છે.