ગુજરાત રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાંથી ફરી એક વખત માદક પદાર્થ ઝડપાયું છે. પૂર્વ કચ્છ SOG પોલીસે અંજારના મેઘપર બોરીચી વિસ્તારમાં રહેતાં એક પતિ-પત્નીને 1 કરોડ 12 લાખના માદક પદાર્થ હેરોઈન અને અફીણના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં છે. તેમની સાથે સંડોવાયેલા અન્ય એક આરોપીને પોલીસે પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે. ઝડપાયેલા માદક પદાર્થના જથ્થામાંથી સેમ્પલ વધુ તપાસણી અર્થે F.S.L ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યાં છે તેમજ આરોપીઓની અટકાયત કરી રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, SOG ઇન્ચાર્જ PI એન.એન ચૂડાસમા, PSI એન.કે ચૌધરી અને સ્ટાફના માણસોએ બાતમીના આધારે અંજાર વિસ્તારમાં આવેલા પુરુષોત્તનગરમાં મકાન.નં.13 મેઘપર(બો) ખાતે રહેણાકના મકાનમાં રેડ કરી તપાસ ક૨તાં જગદીશ ગંગાવિશન બિશ્નોઈ તથા તેની પત્ની વિજયરાજે પોતાના મકાનમાં ગેરકાયદે રીતે માદક પદાર્થ હેરોઈન, પીળા ક્રીમ કલરનું હેરોઈન અને કાળા કથ્થાઈ કલરના ઘટ પ્રવાહી-અફીણનો રસ રાખી ગેરકાયદે રીતે વેચાણ પ્રવૃત્તિ કરતાં મળ્યાં હતાં.