રાજકોટ શહેરમાં ચોમાસાએ મહાનગરપાલિકાના નબળા કામની પોલ ખોલી નાખી છે. છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓની સ્થિતિ ખૂબ દયનીય બની છે. રૈયા ટેલિફોન એક્સચેન્જથી સાધુવાસવાણી રોડને જોડતા માર્ગ પર ગોપાલ ચોક પાસે વરસાદમાં ટુ-વ્હીલરની સાથે ડામર રોડ તણાયાનો વીડિયો વાઇરલ થયો છે. વરસાદ બાદ પણ અહીં રસ્તા પર ખાડાઓ નજરે પડે છે, જેથી આસપાસની 30 જેટલી સોસાયટીના 25000 લોકોને અહીંથી પસાર થવામાં મુશ્કેલી પડે છે.
ડામરનુ મોટુ પોપડું ઉખડીને પાણીમાં વહી ગયુ શહેરના સાધુ વાસવાણી રોડ પર વરસાદી પાણી ભરાતા ધસમસતા પૂર જેવી સ્થતિ સર્જાઈ હતી. 2 દિવસ પહેલા આવેલા વરસાદમા ગોપાલ ચોક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ ફરી સર્જાઈ હતી. વરસાદના કારણે રોડ પરના ડામરનુ મોટુ પોપડું ઉખડીને પાણીમાં વહી ગયુ હતુ. આ સાથે જ પાણીના ભારે પ્રવાહમાં એક સ્કૂટર તણાઈ ગયુ હતુ. સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોએ આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો જે વાઈરલ થયો છે.
સ્થાનિક યશ ભીંડોરાએ જણાવ્યુ હતુ કે, રૈયા ટેલિફોન એક્સચેન્જથી સાધુ વાસવાણી માર્ગને જોડતા રોડ પરના ગોપાલ ચોક પાસે ચોમાસાના પ્રારંભે પડેલાં વરસાદે રાજકોટ મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે. અહીં વરસાદમાં ડામરનુ પોપડુ ઉખડી ગયુ અને ટુ-વ્હીલર તણાઈ ગયુ હતુ. જેથી રસ્તા બનાવવા માટે બાંધકામ કરાવતી એજન્સીઓ હલકી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ કરતી હોવાનુ સાબિત થયુ છે. વરસાદી પાણીના નિકાલની મહાનગરપાલિકા પાસે કોઈ બ્લૂ પ્રિન્ટ ન હોવાથી રસ્તાઓની સ્થિતિ વોકળા કરતા વધુ ભયાનક બને છે, જે વાહનચાલકો માટે જોખમી બને છે.