શહેરમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરી અટકાવવાના પોલીસના અભિયાન દરમિયાન એસઓજીની ટીમે ગોંડલ રોડ પર સૂર્યકાંત હોટેલમાં દરોડો પાડ્યો હતો. હોટેલમાં નેપાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને યુપીના લોકો નોકરી કરતાં હોય અને પોલીસને જાણ ન કરી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યાનું બહાર આવતા પોલીસે માલિક સામે ગુના નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
હોટેલ રેસ્ટોરન્ટમાં રાજ્ય બહારના લોકોને નોકરી પર રાખી પોલીસને જાણ ન કરતાં શખ્સો સામે એસઓજીએ ડ્રાઇવ શરૂ કરી હતી. જેમાં ગોંડલ રોડ પર સૂર્યકાંત હોટેલ પર દરોડો પાડી તપાસ કરતાં હોટેલમાં નેપાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના લોકોને નોકરી પર રાખી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું બહાર આવતા જમાદાર અમિતકુમાર સહિતે સૂર્યકાંતના માલિક અને સર્વોદય સોસાયટીમાં રહેતા ભૂપત રામસિંહ તલાટિયા સામે એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરતાં ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
જ્યારે બીજા દરોડામાં ગોંડલ રોડ પર શ્રીરામ રેસ્ટોરન્ટ નામે ચાઇનીઝ એન્ડ પંજાબી હોટેલમાં દરોડો પાડતા અન્ય રાજ્યના કારીગરો મળી આવતા રેસ્ટોરન્ટના માલિક જગદીશ જયંતીભાઇ બગડાઇ સામે એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.