ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 26મો દિવસ છે. દરમિયાન રાફા બોર્ડર પ્રથમ વખત વિદેશી નાગરિકો માટે ખોલવામાં આવી છે. અહીંથી લગભગ 400 લોકો ઇજિપ્ત પહોંચશે. એ જ સમયે ઘાયલ પેલેસ્ટિનિયન નાગરિકો પણ અહીંથી ભાગી શકશે.
હકીકતમાં ઇજિપ્તે કહ્યું હતું કે તે ઘાયલ પેલેસ્ટિનિયનોને પણ રાફા સરહદ પાર કરવાની મંજૂરી આપશે, જેથી તેમને યોગ્ય સારવાર મળી શકે. બીજી તરફ, ઈઝરાયલની સેનાએ કહ્યું હતું કે સૈનિકોએ અત્યારસુધીમાં હમાસની 11 હજાર જગ્યાઓને નષ્ટ કરી છે.
ઇઝરાયલી હુમલાઓ વચ્ચે ગાઝામાં કોમ્યુનિકેશન અને ઇન્ટરનેટ સેવાઓ ફરી ઠપ થઇ ગઇ છે, જેના કારણે ગાઝાના 20 લાખથી વધુ લોકો દુનિયાના સંપર્કથી દૂર થઈ ગયા છે. અહીં ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે આ દરમિયાન તેના 11 સૈનિકે પણ જીવ ગુમાવ્યો. અત્યારસુધીમાં કુલ 326 જવાન શહીદ થયા છે.