આજે સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુનનો જન્મદિવસ છે. આ અવસર પર એક્ટરે તેના ફેન્સને એક ખાસ ગિફ્ટ આપી છે. ફિલ્મ ‘પુષ્પા 2’ સાથે ઇતિહાસ રચ્યા પછી, અલ્લુ અર્જુને પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. સાઉથ એક્ટર પહેલીવાર ડિરેક્ટર એટલી સાથે કામ કરવા જઈ રહ્યો છે. સન પિક્ચર્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં એટલી અને અલ્લુ અર્જુન તેમના નવા પ્રોજેક્ટ માટે સાથે જોવા મળી રહ્યા છે.
એટલી આ ફિલ્મનું ડિરેક્શન કરશે આ વીડિયોમાં ફિલ્મ સાઈન કરવાથી લઈને એક્ટરની લોસ એન્જલસમાં VFX સ્ટુડિયોની મુલાકાત પણ બતાવવામાં આવી છે. પહેલાં અલ્લુ અર્જુનને ચેન્નાઈમાં પ્રોડક્શન હાઉસની ઓફિસ તરફ જતો બતાવવામાં આવે છે, જ્યાં તે ડિરેક્ટર એટલી અને પ્રોડ્યુસર કલાનિધિને મળે છે. ત્રણેય સાથે ચર્ચા કરે છે અને પછી પ્રોજેક્ટ પર સાઈન કરે છે.
આ પછી અલ્લુ અર્જુન અને એટલી લોસ એન્જલસમાં VFX સ્ટુડિયોની મુલાકાત લે છે. ત્યાં તેઓ બંને આયર્નહેડ સ્ટુડિયોના સીઈઓ અને આર્ટ ડિરેક્ટર જોસ ફર્નાન્ડીઝ અને VFX સુપરવાઈઝર જેમ્સ મેડિગનને મળે છે, આ લોકોએ સ્પાઈડર-મેન અને કેપ્ટન અમેરિકા જેવી ફિલ્મોમાં ગ્રાફિક્સ આપ્યા હતા.