રાજકોટના અમરનાથ મંદિરના વિવાદને લઈ પી.ટી. જાડેજા ફરી મેદાને

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર બિગબજાર પાછળ આવેલા અમરનાથ મંદિરમાં મહાઆરતી મામલે માથાકૂટ થતા ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા સામે ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ પી.ટી. જાડેજા સામે પાસા હેઠળ કાર્યવાહી કરી સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજની ઠેરઠેરથી થયેલી રજૂઆત બાદ સરકારે પી.ટી. જાડેજા સામેની પાસાની અરજી રિવોક કરતા છુટકારો થયો હતો. હવે ફરી પી.ટી. જાડેજા અમરનાથ મંદિર મામલે મેદાનમાં આવ્યા છે.

આજે સ્થાનિક લોકોને સાથે રાખી પોલીસ કમિશનરે આવેદનપત્ર પાઠવ્યું હતું. બે દિવસ પહેલા જે લોકો દ્વારા તેમની સામે જે રજૂઆતો કરવામાં આવી છે તે મામલે ન્યાયિક તપાસ કરવાની માગ કરી છે. પીટી જાડેજાએ કહ્યું કે, જે ટ્રસ્ટીઓ 17 વર્ષથી મહાદેવને લોટો ચડાવવા આવ્યા નથી તેઓ મારી સામે ખોટા આક્ષેપો કરી રહ્યા છે.

ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજા તેમજ અમરનાથ મંદિરની આસપાસ રહેતા રહીશો અને શ્રદ્ધાળુઓ આજરોજ પોલીસ કમિશનર કચેરી ખાતે આવી રૂબરૂ લેખિત રજૂઆત કરી હતી. જેમાં તેમને સ્પષ્ટ આક્ષેપ સાથે સામેની વ્યક્તિઓ દ્વારા ખોટી રીતે મંડળી રચી ભક્તો પાસેથી રૂપિયા 8 થી 10 હજાર ઉઘરાવવામાં આવી રહ્યા છે, જે ગેરવ્યાજબી છે. મારા વિરુદ્ધ પણ ખોટી ફરિયાદ કરાવી હતી. આ આખી ટોળકી રાક્ષસી માનસિકતા ધરાવે છે માટે તેમને નસિયત પહોચાડી અમરનાથ મંદિરમાં શાંતિ સ્થપાય અને મંદિરની આજુબાજુના રહીશો તથા ભક્તો શાંતિથી મંદિરમાં પ્રવેશી શકે અને દર્શન તથા આરતીનો લાભ લઈ શકે તેવા હેતુથી પણ આ ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *