રાજકોટમાં NEET પરીક્ષા મામલે વિરોધ

NEETની પરીક્ષામાં ગોટાળા બાદ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે સમય વેડફાતા 1563 વિદ્યાર્થીને આપવામાં આવેલા ગ્રેસ પોઇન્ટ રદ કરી આગામી 23મી જુને ફરી નીટની પરીક્ષા લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે આજે આ સમગ્ર પ્રકરણને લઈ રાજકોટમાં પ્રદેશ NSUIના કાર્યકરોએ કિસાનપરા ચોકમાં રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તમામ વિદ્યાર્થીઓની NEETની પરીક્ષા ફરી વાર લેવાની માગ સાથે CBI તપાસ કરવી જોઈએ તેવું જણાવ્યું હતું. આ સમયે નારેબાજી અને વિરોધ પ્રદર્શન કરતા NSUIના પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

પ્રદેશ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી તો ગુજરાત સરકારમાં જ પેપર લીક સહિતના ભ્રષ્ટાચારો થતા હતા, પરંતુ હવે આ પ્રકારનો ભ્રષ્ટાચાર કેન્દ્ર સુધી પહોંચી ગયો છે, એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ધો. 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવતી NEETની પરીક્ષામાં ગોટાળા સામે આવ્યા છે. અમુક સેન્ટર પર પરીક્ષા આપતા 1563 વિદ્યાર્થીને મોડા પેપર મળ્યા અને ત્યારબાદ પણ ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા તો તે કયા આધારે આપ્યા તે પણ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી. જોકે હવે સુપ્રીમ કોર્ટે આકરી ફટકાર લગાવી 1563 વિદ્યાર્થીઓની ફરી વાર પરીક્ષા લેવા માટેનો આદેશ કર્યો છે તેવા સમયે સમગ્ર પ્રકરણની તપાસ પણ NTAને સોંપવામાં આવી છે. હવે તેઓ શું તટસ્થ તપાસ કરી શકવાના છે. જેથી CBIને તપાસ સોંપવામાં આવે તેવી માંગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *