રાજકોટમાં આજે આશાવર્કર બહેનો દ્વારા કોર્પોરેશન કચેરી ખાતે વિવિધ બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં લોકોના આરોગ્યની સંભાળ લેતા આશાવર્કર બહેન બીમાર હોવા છતાં તેમની પાસે ફરજીયાત ફિલ્ડવર્ક તેમજ મિટિંગ કરાવાતા તેમનું મોત નીપજ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ માટે જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માંગ પણ આશાવર્કર બહેનો દ્વારા વિવિધ બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ તટસ્થ તપાસ કર્યા બાદ જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, કોઠારિયા વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં નયનાબેન મોલિયા બજાવતા ફરજ બજાવતા હતા. જોકે, તેમની તબિયત ખરાબ હોવા છતાં મેડિકલ ઓફિસર ડો.યાસ્મીન દ્વારા તેમને રજા આપવામાં આવી નહોતી. એટલું જ નહીં તેમને ફિલ્ડવર્ક માટે મોકલી અને મિટિંગમાં હાજર રહેવા માટે ફરજ પાડવામાં આવી હતી. બાદમાં અન્ય બહેનોએ રજૂઆત કરતા તેઓને જવા દેવામાં આવ્યા હતા. બાદમાં પરિવાર દ્વારા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. જેને લઈને અધિકારીઓ માનવતા ચુક્યા હોવાના આરોપ સાથે આજે આશાવર્કર બહેનો દ્વારા મનપા કચેરીએ વિવિધ બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. મનપા કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.