જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના ફી વધારા સામે રાજકોટ સહિત રાજયભરમાંથી વિરોધ ઉઠ્યો છે. આ મામલે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીએ વાલીઓએ વિરોધ પ્રગટ કર્યો હતો. આ રજૂઆતમાં વાલીઓ દ્વારા જણાવાયું હતું કે, દેશના આરોગ્ય ક્ષેત્રને વિશ્ર્વ કક્ષાનું બનાવવા માટે વડાપ્રધાન મોદી પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજો સ્થાપવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. તેવામાં GMERS કોલેજોમાં એકાએક ફી વધારો ઝીંકી દેવાયો છે. રૂ.3.50 લાખની ફી વધારી રૂ.5.50 લાખ કરી નાખવામાં આવી છે. મેનેજમેન્ટ ક્વોટાની સીટમાં પણ 89 ટકાનો ફી વધારો એટલે કે રૂ.9 લાખની વસુલાતી ફીમાં વધારો ઝીંકી રૂ.17 લાખની કરી નાખવામાં આવી છે. આ પરિપત્રથી ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોકટર બનવાનું સ્વપ્ન ચકનાચુર થશે. ત્યારે આ વધારો તાત્કાલિક પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.