રાજકોટ જિલ્લા પંચાયતમાં સોમવારે શિક્ષણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કોટડાસાંગાણીના શાપર-વેરાવળ ખાતે અને લોધિકાના મેટોડા ખાતે વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બે નવી સરકારી સ્કૂલ કરવા દરખાસ્ત કરવામાં આવી હતી. જેના અનુસંધાને શિક્ષણ સમિતિએ નવી પ્રાથમિક શાળા માટે લીલીઝંડી આપી તે બાબતે સરવે હાથ ધરી તેનો ઠરાવ રજૂ કરવા અને ગાંધીનગર શિક્ષણ નિયામકને સ્કૂલ શરૂ કરવા દરખાસ્ત કરવા નિર્ણય કરાયો હતો. તેમજ જે પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ નથી ત્યાં સ્માર્ટ ક્લાસ બનાવવા નિર્ણય કરાયો હતો અને આ માટે સ્માર્ટ ક્લાસરૂમ બનાવવા સરવે હાથ ધરાશે.
રાજકોટ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિની બેઠક સંદર્ભે માહિતી આપતા સૂત્રોએ જણાવ્યું હતું કે, અધ્યક્ષ અલ્પાબેન તોગડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં જે સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ રૂમ ન હોય તે સ્કૂલમાં સ્માર્ટ ક્લાસરૂમ બનાવવા દરખાસ્ત આવી હતી. આથી આવી શાળાઓ શોધી તેના માટે જે તે સ્કૂલ અથવા પંચાયતના સદસ્યો પાસે દરખાસ્ત મગાવવામાં આવશે અને ત્યારબાદ સ્માર્ટ ક્લાસરૂમ બનાવવા મંજૂરી અપાશે. તેમજ શાળાની બહાર હોય તેવી જર્જરિત શાળાના રૂમ માટે પંચાયતે જમીન ફાળવી હોય તેવી સ્કૂલોના રૂમ પંચાયતને પરત સોંપી દેવા દરખાસ્ત આવી હતી. જેના પગલે વીંછિયા તાલુકાના થોરિયાળી ગામે જર્જરિત ઓરડો પંચાયતને સોંપી દેવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.