રાજકોટ મહાનગરપાલિકામાં શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂ.238.49 કરોડના વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા હતા. એજન્ડામાં રહેલી કુલ 57 દરખાસ્તોમાંથી 54 દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. જ્યારે સર્વેશ્વર ચોકમાં વોંકળાના કામમાં વધુ રૂ.1.83 કરોડના ખર્ચને મંજૂર કરવાની દરખાસ્તને પેન્ડિંગ રાખી તમામ નવા ખર્ચની વિગતો અને ફિઝિબિલિટી રિપોર્ટ મગાવ્યો છે.
આ સિવાય લાઇબ્રેરી વિભાગે સફાઇ વ્યવસ્થા માટે રૂ.74,57,180નો ખર્ચ કરવાની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે અને સ્વચ્છતા મિશનના કર્મચારીઓને કામગીરી આપવા તાકીદ કરાઇ છે. તેમજ નાકરાવાડીમાં એક ડોઝર વાહનના મેઇન્ટેનન્સ માટે પણ અલગ બજેટ વિભાગે માગતા કોર્પોરેશનના રેટ કોન્ટ્રાક્ટમાંથી જ આ ખર્ચ કરવાની સૂચના આપી દરખાસ્ત ફગાવી દેવામાં આવી છે અને રૂ.55,13,894નો ખર્ચ બચાવાયો છે.
રાજકોટના ડો.યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં આવેલો વોંકળો ડાયવર્ટ કરી નવો બનાવવા માટે રૂ.4.91 કરોડનો ખર્ચ ગત વર્ષે મંજૂર કરવામાં આવ્યા બાદ હવે આ વોંકળાના કામમાં અને ખર્ચમાં વધારો થયો છે. આથી નવો રૂ.1.83 કરોડનો ખર્ચ મંજૂર કરવા મુકાયેલી દરખાસ્ત અભ્યાસ માટે પેન્ડિંગ રાખી દેવામાં આવી છે.