ચેટીચંડ એ સિંધી સમુદાયનો ધાર્મિક તહેવાર છે. જે ભગવાન ઝુલેલાલના અવતરણ દિવસ તરીકે અને નવા વર્ષ તરીકે પણ ઉજવણી કરાય છે. રાજકોટમાં પણ સમસ્ત સિંધી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરાશે. તેમજ આજે 29 માર્ચને શનિવારે બપોરે 4 કલાકે શિવગ્રૂપ દ્વારા વિશાળ બાઇક રેલીનું ઝુલેલાલ મંદિરથી પ્રસ્થાન થશે જ્યારે કાલે 30 માર્ચને રવિવારે બપોરે 12.30 કલાકે ઝુલેલાલ ઘાટ બાલક મંડળી દ્વારા સૌપ્રથમ વખત કાર રેલી યોજાશે.
સિંધી સોશિયલ યુવા ગ્રૂપ દ્વારા 30 માર્ચને રવિવારે સાંજે 6.30થી 11 કલાક દરમિયાન ભાટિયા બોર્ડિંગ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ, નાટક, સંગીત અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના લાડી લોહાણા સિંધી પંચાયત ટ્રસ્ટ દ્વારા 30 માર્ચને રવિવારના રોજ સ્વામી લીલાશાહ ધર્મશાળા ખાતે સવારે 10 કલાકે આરતી, 10.30 કલાકે સિંધી સમાજ બાઈક રેલીનું સ્વાગત, 11થી 12.30 કલાકે ભેરાણા અને બપોરે 1 કલાકે લાડી લોહાણા સિંધી સમાજ માટે ભંડારાનું આયોજન કરાયું છે. તેમજ ઝુલેલાલ યુવક મંડળ પરસાણાનગર દ્વારા સવારે 7 વાગ્યે સ્થાપના પૂજન, 10થી 1 કલાકે ભજન અને 1 કલાકેથી મહાપ્રસાદનું આયોજન કરાયું છે.