રાજ્યમાં દાદાઓ બનીને જાહેરમાં આતંક મચાવી લોકોને હેરાન કરતાં અસામાજિક તત્ત્વોનું પોલીસ એક બાદ એક સરઘસ કાઢી રહી છે. ગણતરીના દિવસોમાં જ સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદને મળીને 10થી વધુ પોલીસ સરઘસ કાઢી ચૂકી છે. ગઈકાલે સુરતમાં ચોકબજાર પોલીસ દ્વારા વધુ બે આરોપીનું સરઘસ કાઢી બે હાથ જોડાવી લોકો સામે લઈ જવામાં આવ્યા હતા. અહીં માઈક દ્વારા પોલીસ-ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાએ લોકોને કહ્યું હતું કે આવા બે કોડીના લુખ્ખાઓથી ડરવાની જરૂર નથી. માત્ર પોલીસને જાણ કરો, બાકી બધી ટ્રીટમેન્ટ પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવશે. આ વાત સાંભળીને હાજર લોકોએ તાળીઓથી પોલીસને વધાવી હતી.
આરોપીના આતંકથી લોકો ઘણા સમયથી ત્રસ્ત હતા સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં અસામાજિક તત્ત્વો દ્વારા લાંબા સમયથી આતંક મચાવવામાં આવતો હતો, જે કારણે ત્યાંના નાગરિકો ખૂબ જ ત્રસ્ત થઈ ગયા હતા. ખાસ કરીને કુબેરનગર વિસ્તાર આ તત્ત્વોની હરકતો માટેનો અડ્ડો બની ગયો હતો. આ મુદ્દે એક જાગ્રત નાગરિકે ચોકબજાર પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસ દ્વારા આ બન્ને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. બાદમાં ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાની અઘ્યક્ષતામાં બન્ને આરોપીનું કુબેરનગર વિસ્તારમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું.