રાજ્યના સસ્તા અનાજના દુકાનદારોને વન નેશન, વન રાશનકાર્ડ હેઠળ અનાજનો જથ્થો મેળવવા માટેની જે નવી પધ્ધતિ લાગુ કરવામાં આવી છે તે લાંબી અને જટિલ છે જેને કારણે વેપારીઓની સમસ્યામાં વધારો થયો છે તેથી આ સમસ્યા હળવી કરવા માટે નિયમમાં બદલાવ કરવામાં આવે તેવી રજૂઆત રાજકોટના જિલ્લા પુરવઠા વિભાગને કરવામાં આવી હતી.
જિલ્લા પુરવઠા અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મે મહિનાથી અનાજ મેળવવાની પધ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેને કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ માટે દુકાનદારો દ્વારા મહિનાની બીજી તારીખ સુધીમાં એમના વિસ્તારના તાલુકાકક્ષાના અધિકારીઓ શહેરી વિસ્તારના પુરવઠાશાખાના ઝોનલ તથા તાલુકા પુરવઠા શાખાના નાયબ મામલતદારોને દુકાનદારોએ પોતાની ડિમાન્ડ મુકવાની રહેશે અને આ અધિકારીઓ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી સુધી આ ડિમાન્ડ પહોંચાડવામાં આવશે. રાશનનો જથ્થો ગોડાઉનમાં હોય કે સસ્તા અનાજની દુકાનમાં હોય બધું જ ઓનલાન સિસ્ટમથી સંચાલિત કરવામાં આવે છે ત્યારે જથ્થામાં કોઈપણ પ્રકારે ગેરરીતિ થવાની શક્યતા રહેતી નથી છતાં નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે જેનાથી મુશ્કેલીમાં વધારો થશે તેમ અંતમાં રાશનિંગના વેપારીઓએ જણાવ્યું છે.