રાજકોટ જિલ્લા જેલમાંથી 30 ફૂટની દીવાલ ટપી કેદીએ નાસી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દીવાલ પરથી નીચે પટકાતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અગાઉ મર્ડર, લૂંટ અને પોલીસ પર હુમલો સહિતના ગુુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો અને હાલ અઢારેક વર્ષથી રાજકોટ જિલ્લા જેલમાં સજા કાપતો મૂળ જામનગરનો અને હાલ રાજકોટના દૂધસાગર રોડ પર રહેતો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દૂધસાગર રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતો અને હાલ રાજકોટ જિલ્લા જેલમાં સજા કાપતો આમદ ઉર્ફે જાવેદ સિદીકભાઇ સંધી (ઉ.50) બપોરે જેલની દીવાલ ચડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દીવાલ પરથી નીચે પટકાતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ પ્ર.નગર પોલીસ મથકને થતાં એએસઆઇ શીતલબેન સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં આમદ ઉર્ફે જાવેદ અઢારેક વર્ષથી જેલમાં હોવાનું અને અગાઉ કેટલાક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસની વધુ તપાસમાં બપોરના સમયે જેલમાં પાઇપ વડે ત્રીસેક ફૂટની દીવાલ ચડી ગયા બાદ ચાદર બાંધી ઉતરવાની કોશિશ કરી હતી, પરંતુ ચાદર હાથમાંથી છૂટી જતાં નીચે પટકાયો હતો અને હાથ અને પગમાં ફ્રેક્ચર થયાનું તબીબે જણાવતા પોલીસે જેલ પોલીસની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે કેદી સામે ભાગવાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે.