ધો.10ના છેલ્લા પેપર સંસ્કૃતમાં 3 માર્કની પ્રિન્ટિંગ મિસ્ટેક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધોરણ 10ની પરીક્ષા આજે પૂર્ણ થઈ હતી. છેલ્લું પેપર આપી વર્ગખંડમાંથી બહાર આવતા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી હતી. જોકે, આજના સંસ્કૃતના પેપરમાં 3 માર્કના સવાલોમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હોવાનું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓને પણ માગણી છે કે, આ સવાલ કે જેમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તેના માર્ક શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવા જોઈએ.

કૃદંતના પ્રકારમાં લાઈન નહોંતીઃ ક્રિશ સાવલિયા ધોરણ 10માં સંસ્કૃતનું પેપર પૂર્ણ કરીને વર્ગખંડની બહાર નીકળેલા વિદ્યાર્થી ક્રિશ સાવલિયાએ જણાવ્યું હતું કે, સંસ્કૃતના પેપરમાં 3 માર્કના 3 સવાલોમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હતી. જેમાં પ્રશ્નપત્ર ક્રમાંક 17 (GE)માં 4 માર્કનો ગદ્યખંડ પૂછવામાં આવ્યો હતો. જેમાં ગદ્યખંડમાં અમુક જગ્યાએ વિતદાસની જગ્યાએ પિતદાસ લખવામાં આવ્યું હતું, જેને લીધે પૂછવામાં આવેલા 2 માર્કમાં થોડી મુશ્કેલી પડી હતી. જ્યારે સવાલ નંબર 49 જે 1 માર્કનો હતો, જેમાં રેખાંકિત પદના આધારે કૃદંતનો પ્રકાર જણાવવાનો હતો. પરંતુ સવાલમાં ક્યાંય રેખા એટલે કે, લાઇન કરવામાં આવી ન હતી, જેને લીધે કયા પદના કૃદંતનો પ્રકાર આપવો તે સમજી શકાયું નહોતું. જેથી તેનો એક માર્ગ બોર્ડ દ્વારા મળવો જોઈએ, તેવી વિદ્યાર્થી તરીકે મારી માંગણી છે.

વિદ્યાર્થિની માહી વઘાસિયાએ જણાવ્યું હતુ કે, ધોરણ 10માં આજે સંસ્કૃતનું છેલ્લું પેપર ખૂબ જ સરળ હતું. જેમાં અમુક સવાલોમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હતી. જેમાં સૂચનામાં અન્ડરલાઇન કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ અન્ડર લાઈન કરવામાં આવી ન હતી. જોકે, પેપર અઘરું ન હોવાથી કોઈ મુશ્કેલી પડી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *