રાજકોટ તાલુકાના સોખડાની સરકારી પ્રાથમિક સ્કૂલમાં લાંબા સમયથી પ્રિન્સિપાલ અને શિક્ષકો વચ્ચે ચાલતો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા બાદ આ પ્રકરણમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ કર્યા હતા અને તપાસનો રિપોર્ટ આવી જતા પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી નાખ્યા હતા અને પાંચ શિક્ષકની અલગ-અલગ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં બદલીના આદેશ કરી નાખ્યા છે. તેમજ આચાર્યા સહિત છએય સામે ખાતાકીય તપાસના આદેશ કરાયા છે.
રાજકોટ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સોખડા સરકારી પ્રાથમિક સ્કૂલમાં લાંબા સમયથી શિક્ષકો અને પ્રિન્સિપાલ વચ્ચે વિવાદ ચાલતો હતો અને ગત 3જી જુલાઇએ પ્રિન્સિપાલે સ્કૂલમાં શિક્ષકો સાથે ફરી માથાકૂટ થતા ‘હું આત્મહત્યા કરી લઇશ અને તમારા બધાના નામ લખીશ’ તેવી ધમકી આપતા ગભરાયેલા પાંચ શિક્ષક પ્રથમ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને પીએસઆઇને જાણ કર્યા બાદ પોલીસે આ અંગે ડીપીઇઓને જાણ કરતા તેઓએ પીએસઆઇને શિક્ષકોની ફરિયાદ લેવા જણાવ્યું હતું અને ત્યારબાદ શિક્ષકો ડીપીઇઓ દીક્ષિત પટેલને રજૂઆત કરવા દોડી આવ્યા હતા.