રાજકોટમાં કોઠારિયા રોડ નજીક વોર્ડ નં.17માં પીપળિયા હોલ રોડ પર આવેલા બાબરિયા કોલોની પાસેની પરમેશ્વર સોસાયટીમાં આજે મહાનગરપાલિકાનો કાફલો ત્રાટક્યો હતો અને 26 જેટલા રહેણાક મકાનો ઉપર બુલડોઝર ફેરવી દઇ 15 મીટરનો ટી.પી.રોડ ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.
ડેપ્યુટી કમિશનર હર્ષદ પટેલની સૂચના તથા એડિશનલ સિટી એન્જિનિયર એ.એ.રાવલના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ શુક્રવારે શહેરના વોર્ડ નં.17માં બાબરિયા કોલોની પાસે ટી.પી.સ્કીમ નં.10ના 15 મીટરના રોડ પર ખડકાયેલાં દબાણો દૂર કરવા ગઇ હતી. મનપાની ટીમે પરમેશ્વર સોસાયટી શેરી નં.3 પબ્લિક મેઇન રોડના 20 પાકાં મકાનો તથા 6 રહેણાક કાચા મકાનો તથા ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રિયલ બાંધકામ દૂર કરી અંદાજે 525 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી હતી.