સૌરાષ્ટ્રના રેલ્વેના પ્રશ્નોનું નિરાકરણ કરાવવા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ કેન્દ્રીય રેલવે મંત્રીને રૂબરૂ મળી રજુઆતો કરી છે. સૌરાષ્ટ્રમાં રેલવેને લગતા પ્રશ્નો બાબતે દિલ્હી ખાતે કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવને રૂબરૂમાં મળી તેઓને લેખિત તેમજ મૌખિક અલગ અલગ 9 જેટલા મુદ્દા બાબતે વિગતવાર રજૂઆત કરી હતી.
રજુઆતમાં તેમને જણાવ્યું હતું કે, રાજકોટ સૌરાષ્ટ્રનું કેપિટલ સીટી માનવામાં આવે છે. રાજકોટ ઈન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે પણ ખૂબ જ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર ભરમાંથી મોટા પ્રમાણમાં પ્રવાસીઓ હરિદ્વાર જવા માટે રેલવેનો ઉપયોગ કરતા હોય છે અને હરિદ્વાર જવા માટે ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળતી નથી. હાલમાં રાજકોટ થી હરિદ્વાર જવા માટે ઓખા દેહરાદુન વિકલી ટ્રેન ઉપલબ્ધ છે. આ સિવાય હરિદ્વાર જવા માટે એક પણ ટ્રેન ઉપલબ્ધ નથી માટે દરરોજ રાજકોટ થી હરિદ્વારની ટ્રેન આપવા માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. આ સિવાય કોરોના પહેલા રાજકોટ થી મુંબઈ સેન્ટ્રલ જવા માટે ઉપડતી સૌરાષ્ટ્ર મેલ ટ્રેન સાંજના 5:35 વાગે ઉપડી અને બોરીવલી સવારે 7 વાગે પહોંચતી અને રાજકોટ થી બાંદ્રા જવા માટે સૌરાષ્ટ્ર જનતા બપોરના 3:30 વાગે ઉપડતી હતી અને બોરીવલી ખાતે વહેલી સવારે 5:30 વાગે પહોંચાડતી હતી આ બંને ટ્રેનો સૌરાષ્ટ્રના લોકોને મુંબઈ જવા માટે ખૂબજ અનુકૂળ હતી આ બંને ટ્રેનમાં જવા માટે વધુ પ્રમાણમાં પ્રવાસીઓનો ઘસારો રહેતો હતો. પરંતુ અચાનક આ બંને ટ્રેનના ટાઈમ બદલી નાખવામાં આવ્યા છે. જેથી મુસાફરોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય જેથી આ બંને ટ્રેનોને તેમના અગાઉના શિડયુલ મુજબ રાજકોટ થી મુંબઈ જવા માટે શરૂ કરાવવા રજૂઆત કરવામાં આવી છે.