રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા આજે વોર્ડ નંબર 14માં ‘મેયર તમારે દ્વાર’ નામથી લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે વોર્ડ નંબર 14ના સ્થાનિકો સહિત ‘આપ’ આગેવાનો દ્વારા વિવિધ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મુખ્ય રામનાથ મંદિરનાં જીર્ણોદ્ધાર તેમજ આજી રિવરફ્રન્ટ સહિતના પ્રશ્નો ઉઠ્યા હતા. જ્યારે આજીનદી સહિતના સમગ્ર વિસ્તારની સફાઈ અને સ્થાનિક કોર્પોરેટરે સોરઠીયા પ્લોટ વિસ્તારમાં થયેલા સીસી રોડના ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાની માગ કરવામાં આવી છે. જોકે ‘આપ’ના આગેવાનો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવતા રાજકારણ ગરમાયું હતું.
આમ આદમી પાર્ટીના નેતા અને વોર્ડ નં. 14ના રહીશ સુરજ બગડાએ આ અંગે જણાવ્યું હતું કે, લોક દરબાર દરમિયાન આજે સ્થાનિક સમસ્યાઓ રજૂ કરાઈ છે. જેમાં મુખ્ય રામનાથ મંદિરનાં જીર્ણોદ્ધાર અને આજી રિવરફ્રન્ટ મામલે રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત આનંદનગર કોલોનીના ક્વાટર મુદ્દે તેમજ વોર્ડના જૂના વિસ્તારોમાં રી-કાર્પેટની માગ કરવામાં આવી હતી. ઘણા વર્ષોથી રામનાથ મંદિર જીર્ણોદ્ધાર અને આજી રિવરફ્રન્ટ બાબતે મનપા દ્વારા માત્ર જાહેરાતો કરવામા આવે છે, પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી.