રાજકોટનાં ટીઆરપી ગેમ ઝોનમાં આગનો બનાવ બન્યા બાદ મનપાએ ફાયર NOC અંગે કડક કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં અનેક બિલ્ડિંગો સીલ કરી દેવામાં આવતા વેપારીઓ અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો દ્વારા ટેમ્પરરી NOC આપી સીલ ખોલી આપવાની માંગ કરવામાં આવી હતી. જેને પણ મંજૂર કરી અત્યાર સુધી 400 કરતા વધુ મિલકતોનાં સીલ ખોલવામાં આવ્યા છે. આ સાથે દિવસ-7માં ફાયર NOC લેવા સોગંદનામું પણ લેવામાં આવે છે. પણ વિવિધ જ્ઞાતિની વાડીઓ (બિલ્ડિંગો) વર્ષો પૂર્વે બનેલા હોવાથી તેમાં BU પરમિશન નહીં હોવાથી ફાયર NOC મળી શકે તેમ નથી. ત્યારે ફાયર NOC માટે BU પરમિશન જરૂરી હોવાના નિયમમાં ફેરફાર કરવાની માગ ઉઠી છે.
કડીયા સમાજના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં આજે વિવિધ જ્ઞાતિનાં અગ્રણીઓ દ્વારા આ અંગે મનપા કમિશનર તેમજ મેયરને પણ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં તમામ જ્ઞાતિ સમાજની વાડીઓ અને મેરેજ હોલને સીલ મારીને બંધ કરવામાં આવ્યા છે. સીલ ખોલવા માટે સંબંધીત અધીકારીઓ દ્વારા દિવસ 7માં ફાયર NOC તેમજ ઘટતા કાગળો મેળવી લેવા માટેનું સોગંદનામું લેવામાં આવે છે. જેમાં ફાયર NOC માટે BU પરમીશન પણ માંગવામાં આવે છે.