ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદમાં પ્લેન ક્રેશમાં નિધન થયા બાદ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદમાં DNA મેચની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રૂપાણી પરિવારના સભ્યો રાજકોટ પહોંચશે. આજે રાજકોટના વેપારીઓ અડધો દિવસ ધંધારોજગાર બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવશે. તો ખાનગી શાળા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પણ આજે શિક્ષણકાર્ય બંધ રાખશે. શુક્રવારે PM-CM સહિતના નેતાઓએ વિજય રૂપાણીનાં પત્ની અંજલિબેન રૂપાણી અને પરિવારના અન્ય સભ્યો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.
તો બીજી તરફ રાજકોટની પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી કરવામાં આવી છે. તેમજ પોલીસે અંતિમયાત્રાના એક કલાક પહેલા રસ્તાઓને બંધ કરવા માટેનું જાહેનામું બહાર પાડ્યું છે.
વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. આજે અથવા આવતીકાલે DNAની કામગીરી પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવશે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીમાં વિજય રૂપાણીના નિવાસ સ્થાન પર પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.