ભાજપના ધરાર સભ્ય બનાવવા મુદ્દે મહિલા કોર્પોરેટરના પુત્રસાથે માથાકૂટ કરનાર પ્રૌઢને પોલીસે છરી સાથે ઝડપી લીધો

ભાજપના સદસ્યતા અભિયાનમાં કાર્યકરથી માંડી સાંસદ સુધી તમામને ટાર્ગેટ આપવામાં આવ્યા છે, ટાર્ગેટ પૂરા કરી મવડી મંડળને સારું દેખાડવા માટે મોટા નેતાઓ પણ અવનવા ખેલ કરી રહ્યા છે, વોર્ડ નં.14ના મહિલા કોર્પોરેટરના પુત્રએ નવયુગપરાના પ્રૌઢને પરાણે સભ્ય બનાવતા પ્રૌઢે મહિલા કોર્પોરેટરના પુત્રનો મોબાઇલ તોડી નાખ્યો હતો, આ મામલે નગરસેવિકાના પુત્રએ પોલીસમાં અરજી કરી હતી. જોકે પોલીસે આરોપીને છરી સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

રામનાથપરા પાસેના નવયુગપરામાં રહેતા જયેશભાઇ મુછડિયાએ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જયેશભાઇએ અરજીમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે બપોરે તેનો ભાઇ પ્રવીણ ઉર્ફે પવો મુછડી ભીખુભાઇ મુછડિયા (ઉ.વ.56) જિલ્લા ગાર્ડન પાસે હતો ત્યારે વોર્ડ નં.14ના ભાજપના કોર્પોરેટર ભારતીબેન મકવાણાનો પુત્ર આદિત્ય ત્યાં આવ્યો હતો, આદિત્યએ કાકા તમારો મોબાઇલ આપો તો તેમ કહેતા આદિત્યને કંઇક કામ હશે તેમ સમજી પ્રવીણે પોતાનો મોબાઇલ તેને આપ્યો હતો, થોડીવાર બાદ તેમાં ઓટીપી આવતા પ્રવીણે તે શું કર્યું તેમ પૂછતાં આદિત્યએ તમને ભાજપના સદસ્ય બનાવ્યા છે તેમ કહેતા પ્રવીણ ઉશ્કેરાયો હતો અને તેણે આદિત્યના હાથમાંથી તેનો મોબાઇલ આંચકી લઇ તેને તોડી નાખ્યો હતો, પ્રવીણે તેની ઇચ્છા વિરૂધ્ધ શા માટે ભાજપનો સભ્ય બનાવ્યો તેમ પૂછતાં આદિત્યએ ઝઘડો કર્યો હતો તેવો આક્ષેપ પણ કર્યો હતો.

જોકે ગુરૂવારે રાત્રે પોલીસે જિલ્લા ગાર્ડન નજીકથી પ્રવીણ ઉર્ફે પવલાને છરી સાથે ઝડપી લીધો હતો, એ.ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ અજયભાઇ બસિયાએ કહ્યું હતું કે, મહિલા કોર્પોરેટરના પુત્ર આદિત્યએ પ્રવીણ સામે અરજી કરી હતી તે અંગે તેને પકડવા ગયા ત્યારે પ્રવીણ છરી સાથે મળી આવ્યો હતો, પોલીસે છરીના ગુનામાં તેની ધરપકડ કરી 24 કલાક લોકઅપમાં રાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *