PQRST-ACCEPT ટેકનિકથી દૂર કરાશે બોર્ડની પરીક્ષાનો ડર

27 ફેબ્રુઆરીથી ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓને થતો એકઝામ ફોબિયા, નબળા પેપર જતા નાપાસ થવાના ડરે આપઘાતનો વિચાર તેમજ ડિપ્રેશન અને મનોભાર સહિતની સમસ્યાઓ દૂર કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં PQRST અને ACCEPT પદ્ધતિનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ અને વાલીઓની સમસ્યા જાણી તેને દૂર કરી માનસિક સ્વસ્થતા પ્રદાન કરવામાં આવશે. જેના ભાગરૂપે આ ભવનના વિદ્યાર્થીઓ દ્વારા આજથી અલગ અલગ શાળાઓએ પહોંચી પોસ્ટર પ્રેઝન્ટેશન સાથે બોર્ડના વિદ્યાર્થી અને તેમના વાલીઓને માર્ગદર્શિત કરવાનું શરૂ કરાયું છે.

રાજકોટની ધોળકિયા સ્કૂલમાં ધો. 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કર્મદીપસિંહના પિતા જયપાસલિંહ રાણાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર કરવા માટે જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે આવકાર્ય છે. કારણ કે હાલ વિદ્યાર્થીઓ ઉપર પરીક્ષાનો ડર વધી રહ્યો છે. જે ડર છેલ્લે વાલીઓ ઉપર આવે છે. વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ પરીક્ષા આપતા હોય તે પ્રકારનો ગંભીર માહોલ થઈ જાય છે. જેથી વિદ્યાર્થીઓને ઘણી વખત એવું થાય છે કે, હું નાપાસ જ થઈશ. હું કંઈ કરી નહીં શકું અને માનસિક ટોર્ચર થઈ જાય છે. ખરેખર એવું ન થવું જોઇએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વાલીએ પણ વિદ્યાર્થીને સમજાવવાની જરૂર છે કે, તું નાપાસ થઈ તો જીવનમાં કંઈ જ નહીં કરી શકે તેવું નથી. વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે ઘણા બધા સ્કોપ છે. વિદ્યાર્થીઓને જે વિષયમાં રસ હોય તે વિષયમાં જ આગળ વધારવા જોઇએ. તેમણે જણાવ્યું કે, મારો પુત્ર ધો.8માં અભ્યાસ કરે છે. તેને આગળ જે રીતે જે વિષયમાં રસ હશે તે રીતે આગળ વધશે. મારી મોટી પુત્રી સાયન્સમાં A ગ્રુપમાં છે તો મેં તેને નથી કહ્યું કે B ગ્રુપમાં રહે. વાલી કહે તે ક્ષેત્રમાં જ આગળ વધે તેવું નથી હોતું. કોઇપણ સફળ વ્યક્તિને પૂછશો તો તેઓ એવું કહે છે કે મને જે ક્ષેત્રમાં રસ હતો તે જ ક્ષેત્રમાં હું મારી ઇચ્છાથી આગળ વધ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *