વધતી ગરમીના પગલે વીજળીની ખપતમાં મોટા પાયે વધારો નોંધાયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચાલી રહેલા હીટવેવના પગલે લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે અને તેના કારણે સૌરાષ્ટ્રની વીજમાંગ 8000 મેગાવોટને પાર થઇ છે. હાલ ગરમીના કારણે લોકો ઘરમાં જ રહેવું વધારે પસંદ કરે છે. લોકો મોટા ભાગે તાપમાન ઓછું થાય પછી જ બહાર નીકળવાનો આગ્રહ રાખે છે અથવા કામ પતાવીને ઘરમાં જ રહે છે. આવી જ રીતે ગરમીમાં પશુઓ અને પક્ષીઓ પણ સલામત આશ્રય મેળવીને એક જ જગ્યાએ છાયો શોધીને સાંજ સુધી રોકાઈ જાય છે. પીજીવીસીએલના વીજળીની માંગ નોંધાતા સેન્ટરમાં છેલ્લા 10થી 15 દિવસ દરમિયાન જ સૌરાષ્ટ્રમાં વીજળીની ડિમાન્ડ 8 હજાર મેગાવોટને પાર થઇ ગઈ છે.
અગાઉ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જ્યારે જ્યારે ઠંડીનો માહોલ હતો ત્યારે સૌરાષ્ટ્રમાં વીજળીનો ડિમાન્ડ આશરે 5થી 6 હજાર મેગાવોટ જેટલી રહેતી હતી, પરંતુ જેમ જેમ તાપમાનનો પારો ઊંચે જતો ગયો તેમ તેમ વીજળીની ખપત વધવા લાગી છે. લોકોના ઘરમાં એ.સી, કૂલર, પંખા, રેફ્રિજરેટર સહિતના ઉપકરણોનો વપરાશ પણ વધ્યો છે જેની સીધી અસર વીજળીની માંગ ઉપર પડી છે.
ગરમીના કારણે બપોર બાદ રસ્તા પર સન્નાટો જોવા મળી રહ્યો છે. લોકોના પંખા, કૂલર અને એસી પુરજોશમાં ચાલી રહ્યા છે ત્યારે વીજમાંગ પણ વધવી સ્વાભાવિક છે. પીજીવીસીએલના સૂત્રોનું કહેવું છે કે, ઉનાળાનું જોર વધ્યું છે અને તેના કારણે આગામી દિવસોમાં વીજમાંગ હજી પણ વધી શકે છે. વીજકંપનીના અંદાજ અનુસાર મે મહિનાના અંત સુધીમાં સૌરાષ્ટ્રની વીજમાંગ હજુ વધે તેવી શક્યતા છે.જેને ધ્યાનમાં રાખીને વીજમાંગને પહોંચી વળવા માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે.