રાજકોટનાં 100થી વધુ મંદિરોમાં પોસ્ટર લાગ્યાં

રાજકોટનાં મંદિરોમાં હવે ટૂંકાં વસ્ત્રો પહેરી પ્રવેશ કરી શકાશે નહીં. જી..હા રાજકોટનાં 100થી વધુ મંદિરોમાં સનાતન સ્વરાજ સંસ્થાના યુવાનોએ પોસ્ટર લગાવ્યાં છે. જેને મંદિરના પૂજારી અને ટ્રસ્ટીઓ તરફથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. મંદિરમાં લગાવાયેલાં પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે આ મંદિર પરિસરની જગ્યામાં કોઈ પણ વ્યક્તિએ ટૂંકાં વસ્ત્રો જેમ કે કેપ્રી, બરમુડા, સ્લીવલેસ, ફાટેલા જીન્સ, મિની સ્કર્ટ પહેરીને પ્રવેશ કરવો નહીં.

રાજકોટના પંચનાથ મંદિર સહિત અનેક મંદિરોમાં ટૂંકાં કે ફાટેલાં વસ્ત્રો પહેરી પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકતાં પોસ્ટર લગાવાયાં છે. અને મંદિરના પૂજારીઓને સૂચન કરવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ કે જેમણે ટૂંકાં અથવા ફાટેલાં કપડાં પહેર્યાં હોય તો તેમને પ્રવેશ આપવો નહીં. આગામી દિવસોમાં હજુ વધુ 50 જેટલાં મંદિરોમાં આ પ્રકારે પોસ્ટર લગાવાશે. ભગવાનની મર્યાદા જાળવવા માટે પોસ્ટર લગાવવામાં આવ્યાં હોવાનો દાવો પોસ્ટર લગાડનારાઓ દ્વારા કરવામાં આવ્યો છે.

આ પોસ્ટર લગાડનાર સનાતન સ્વરાજ સંસ્થાના કાના કુબાવતે જણાવ્યું હતું કે, રાજકોટનાં વિવિધ મંદિરોમાં પોસ્ટર લગાવવાની કામગીરી ચાલુ છે. અમારા સહિત વિવિધ હિન્દુ સંગઠનના મિત્રો સાથે મળીને આ કામ કરી રહ્યા છીએ. જેનો મુખ્ય હેતુ એ છે કે, ટૂંકાં વસ્ત્રો પહેરી મંદિરમાં ન આવવું જોઈએ. કોઈપણ કપડાં પહેરવાની સામે અમારો વિરોધ નથી. પરંતુ મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા જતાં હોય ત્યારે મર્યાદા જળવાય તેવાં વસ્ત્રો પહેરવાં જોઈએ. બરમુંડા, ફાટેલા જીન્સ તેમજ ટૂંકાં કપડાં પહેરીને મંદિરમાં દર્શન કરવા એ હિન્દુ સંસ્કૃતિ મુજબ યોગ્ય નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *