રાજકોટનાં ભાયાવદરના ખીરસરાના સ્વામીનારાયણ ગુરુકુળના સ્વામીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના બાદ સ્વામી અને હોસ્ટેલ સંચાલક ફરાર થઈ જતા લોકોમાં સ્વામિનારાયણ સંપ્રદાય સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ દરમિયાન રાજકોટનાં સહકારી અગ્રણીએ સોશિયલ મીડિયા પર સ્વામિનારાયણ સંપ્રદાય વિરૂદ્ધ જુદી-જુદી પોસ્ટ મૂકીને વિરોધ વ્યક્ત કર્યો છે. જેમાં તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયને કામીનારાયણ કહ્યા છે અને તેઓની ધરપકડ કરવામાં ન આવતા આ પ્રકારના ગુરુકુળમાં વિદ્યાર્થીઓને ભણાવવા ન મોકલવાની સલાહ આપી છે. આ પ્રકારના સ્વામીઓને પોલીસ અને સરકાર છાવરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
રાજકોટમાં સહકારી ક્ષેત્રના અગ્રણી પરસોતમ પીપળીયાએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય જે પોસ્ટ કરી છે તે જનજાગૃતિ લાવવા માટેની છે. જે ધાર્મિક સંસ્થાઓમાં વ્યભિચાર આચરવામાં આવતો હોય તે સહન કરી શકાય નહીં. ધર્મ ધુરંધરો આવા વ્યભિચારી સ્વામીઓને છાવરી રહ્યા છે. ધર્મ ધુરંધરોએ પોતે ફરિયાદી બનીને આવા વ્યભિચારી સ્વામીઓ વિરુદ્ધ ફરિયાદી બનીને સખત સજા થાય તેવી કાર્યવાહી કરવી જોઈએ. જેને બદલે તેઓ બચાવમાં નીકળે તે તદ્દન ગેર વ્યાજબી છે. આ પ્રકારના વ્યભિચાર સ્વામીઓને સંસ્થામાંથી હાંકી કાઢવા માટે ઉચિત પગલાં ભરવા જોઇએ.