રાજકોટ TRP ગેમઝોનમાં આગ લાગવા મામલે રાજકોટ શહેરના બે પોલીસ ઈન્સ્પેક્ટર વી.આર.પટેલ અને એન. આઈ. રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે અગાઉ ફરજ બજાવી ચૂકેલા બે પીઆઇ જે. વી. ધોળા અને વી. એસ. વણઝારાને બોલાવી નિવેદનની કાર્યવાહી ત્રણ દિવસથી ચાલી રહી છે. આ પછી વધુ બે પીઆઇના નામ પણ સામે આવી રહ્યાં છે, જેમની સામે પણ કાર્યવાહી થઇ શકે છે. જેમાં હાલના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ હરિપરા તેમજ અગાઉ 2023માં લાયસન્સ રિન્યુ વખતે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ મેહુલ ગોંડલિયા કે જેઓ હાલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી રહ્યા છે. આ અધિકારીઓ સામે કાર્યવાહી થઇ શકે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, આગ લાગ્યાના બીજા દિવસે તપાસ દરમિયાન TRP ગેમ ઝોનની એફિસમાંથી બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો રાજકોટ તાલુકા પોલીસ દ્વારા કબજે કરી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી રહ્યો હતો. તે સમયે મીડિયાએ સવાલો કરતા PI હરિપરા ઉકળી ઉઠ્યા હતાં. જે બાદ બિયર અંગે તપાસ કરી કાયદેસેની કાર્યવાહી હાથ ધરવામાં આવશેનું જણાવ્યું હતું. પણ હવે તેની સામેજ કાર્યવાહી થવાના એંધાણ છે.