ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની પરીક્ષા દરમિયાન રાજકોટમાં ત્રંબા ખાતે આવેલી પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 12 કોમર્સની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ચોરી કરાવવામાં આવતી હોવાના આક્ષેપો સાથેની રજૂઆત અન્ય વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ બોર્ડના સચિવને ઈમેલ મારફત કરવામાં આવેલી છે જેમાં સ્કૂલમાંથી આપવામાં આવતી માઇક્રો કોપી પણ ઇ-મેલમાં જોડવામાં આવેલી છે. આ સમગ્ર મામલાનો સામે આવ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા હવે સ્કૂલના સંચાલિકાએ DEO ને લેખિતમાં ખૂલાસો આપ્યો છે. તેમાં કોઈ શત્રુ દ્વારા બદઇરાદો પાર પાડવા માટે કૃત્ય કર્યુ હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે જ બોર્ડનું પરીક્ષા કેન્દ્ર અન્ય સ્કૂલને આપવા માટેની પણ તૈયારી બતાવી છે. જોકે તેમાં સ્કૂલમાં રાખેલા CCTV આપવાની તૈયારી બતાવેલી નથી.
રાજકોટની પોપ્યુલર સ્કૂલમાં બોર્ડના કેન્દ્ર પર ચોરી થતી હોવાના આક્ષેપ મામલે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે તપાસના પગલે પોપ્યુલર સ્કૂલના આચાર્ય અને સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખ શર્મિલા બાંભણીયાએ લેખિતમાં ખુલાસો આપ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ખુલાસો કરતા જણાવ્યું છે કે, પોપ્યુલર સ્કૂલમાં કોઈપણ પ્રકારની ગેરપ્રવૃતિ આચરવામાં આવતી નથી. સ્કૂલમાં વધતી જતી સંખ્યાને લઈ શત્રુઓ દ્વારા બદ ઇરાદો પાર પાડવામાં આવ્યો હોવાના આક્ષેપો કરાયા છે.
આ સાથે જ તેમણે પરીક્ષાનું સેન્ટર અન્ય સ્કૂલને આપવા તૈયારી બતાવી છે. જોકે સ્કૂલમાં લગાવવામાં આવેલા સીસીટીવી આપવાની તૈયારી લેખિત ખુલાસામાં ન બતાવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે આ ખુલાસા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે અને શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે.