કંગાળ પાકિસ્તાન હવે માલદીવ્સને આર્થિક મદદ કરશે?

ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાન માલદીવ્સના સમર્થનમાં સામે આવ્યું છે. પાકિસ્તાને માલદીવ્સને વિકાસ કાર્યમાં મદદ (આર્થિક સહાય) આપવાનું આશ્વાસન આપ્યું છે.

માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુ સાથે ફોન પર વાતચીત દરમિયાન પાકિસ્તાનના કેરટેકર વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે આ ખાતરી આપી છે. તેમણે માલદીવ્સ-પાકિસ્તાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો.

હકીકતમાં, ભારતે માલદીવ્સને આપવામાં આવતી નાણાકીય સહાયમાં લગભગ 22% ઘટાડો કર્યો છે. 2024-25 નાણાકીય વર્ષમાં માલદીવ્સના વિકાસમાં મદદ કરવા માટે માત્ર 600 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે 2023-24માં સરકારે માલદીવ્સને 770.90 કરોડ રૂપિયાની સહાય પૂરી પાડી હતી. આ મદદ વિદેશ મંત્રાલય દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ માલદીવ્સ સુધી પહોંચાડવામાં આવે છે.

2018ની વાત છે. ચીનના નજીકના અને PPMના નેતા અબ્દુલ્લા યામીન રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા. બાદમાં તેમને એક એબજ ડોલરના સરકારી ભંડોળની હેરાફેરી અને દુરુપયોગ માટે દોષિત ઠેરવવામાં આવ્યા. 2019માં યામીનને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. નવા રાષ્ટ્રપતિ બન્યા ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહ , જેઓ ‘ઈન્ડિયા ફર્સ્ટ’ની પોલિસી પર ચાલતા હતા.

કોરોનાને કારણે યામીનની જેલની સજાને નજરકેદમાં ફેરવવામાં આવી. નવેમ્બર 2021માં યામીન સામેના તમામ આરોપો ફગાવી દેવામાં આવ્યા અને 30 નવેમ્બરના રોજ તેમને મુક્ત કરવામાં આવ્યા. આ પછી તેમના માટે ફરીથી રાજકારણમાં પ્રવેશવાનો રસ્તો સાફ થઈ ગયો. ત્યારબાદ તેઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા અને ઘણીવાર પોતાના ભાષણોમાં લોકોને તેમના ઘરની દીવાલો પર ‘ઈન્ડિયા આઉટ’ લખવાની અપીલ કરવા લાગ્યા.

મોહમ્મદ મુઇજ્જુએ 2023ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોહમ્મદ સોલિહ સામે પોતાનો દાવો રજૂ કર્યો. તેમણે માલદીવ્સમાં કથિત ભારતીય સેનાની હાજરી સામે ‘ઈન્ડિયા આઉટ’ નો નારો આપ્યો હતો અને તેને લઈને અનેક વિરોધ પ્રદર્શનો પણ કર્યા. આ ઓપરેશન એ માન્યતા પર આધારિત હતું કે ભારતીય સૈનિકોની હાજરી માલદીવ્સની સાર્વભૌમત્વ માટે ખતરો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *