રાજકોટ શહેરનો તમામ ઘન કચરો એકઠો કરીને રાજકોટ મહાનગરપાલિકા નાકરાવાડી સ્થિત ડમ્પિંગ સાઈટમાં નાખે છે. આ કચરાનું પ્રોસેસિંગ કરવાનું હોય છે. જોકે વર્ષોથી આ મામલે વિવાદ થયા છે અને તેનું પરિણામ ગામવાસીઓને ભોગવવું પડ્યું છે. પ્રોસેસિંગના અભાવે કચરાના ડુંગરો ઊભા થયા છે અને તેને કારણે જમીન અને જળનું પ્રદૂષણ થયું છે. મનપાએ પ્રોસેસિંગ માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ પરિણામ નથી મળ્યું. વરસાદ બાદ ફરીથી પ્રદૂષણ ફેલાતા ગ્રામવાસીઓ કે જે 20 વર્ષથી પ્રદૂષણ અટકાવવા લડત ચલાવી રહ્યા છે તેઓએ ફરિયાદ કરવા માટે જીપીસીબીને બોલાવી હતી અને મનપાના ડમ્પર અટકાવી દીધા હતા. નાકરાવાડીમાં ડમ્પિંગ સાઈટને કારણે માત્ર નાકરાવાડી જ નહિ આસપાસના અનેક ગામો પ્રભાવિત થયા છે.
પ્રદૂષણ સામે જંગે ચડેલા લોકોએ અથાગ પ્રયત્ન કરતા ગ્રીન ટ્રિબ્યૂનલે મનપાની ભારે ઝાટકણી કાઢી છે અને દંડ પણ ફટકાર્યો છે. જેને લઈને મનપાએ જૂના કચરાનો નિકાલ અને નવો કચરો પ્રોસેસિંગ પ્લાન્ટમાં મોકલવાનું કામ ચાલુ કરીને હવે પ્રદૂષણ નહિ ફેલાય તેવી ખાતરી આપી હતી. જોકે આ બાંહેધરી ખોટી નીકળી હતી. નાકરાવાડીના અનેક કચરાના ડુંગરો પર વરસાદ પડતા પાણી શોષાયું હતું અને હવે આ પાણી કચરાનું ધોવાણ કરીને આસપાસના નદી-નાળામાં ભળી રહ્યું છે.