વિશ્વમાં આજે પણ અનેક રોગો લોકજીવનને મોટાપાયે ગ્રસિત કરી બેઠાં છે. સામાન્ય રીતે બાળકના જન્મ સાથે જ અનેક રોગોથી બચાવવા માટે રસીકરણ દ્વારા તેને આપણે સુરક્ષિત કરીએ છીએ. જન્મતાં જ બી.સી.જી.ની રસીથી લઈ નૂરબીબી, ઓરી,અછબડા, મગજના તાવ, ગંભીર લીલા ઝાડ અને ન્યુમોનિયાની રસી જેવા બાળકોના જીવના દુશ્મન જેવા તમામ રોગની રસી પણ સરકાર નિ:શુલ્ક પૂરી પાડે છે ત્યારે આ રસીઓમાં પોલિયોની રસીની ઝુંબેશને કેમ ભૂલી શકાય? આગામી 23 જૂનના રાજકોટમા પોલિયો રવિવારે 1.69 બાળકોને પોલિયોની રસી આપવામાં આવશે.
મોટાભાગના લોકોમાં તેના કોઈ આગોતરા લક્ષણો જોવા મળતા નથી પરંતુ, કેટલાક લોકો લકવાગ્રસ્ત થઈ જાય છે. રસીઓ પહેલા હજારો લોકો આ રોગચાળો ફાટી નીકળતાં લકવાગ્રસ્ત થતાં હતા. આજે જંગલી પોલિયો વાયરસ પ્રકાર-2 અને 3 નાબૂદ થઈ ગયા છે પરંતુ, પ્રકાર-1 હજુ પણ વિશ્વના કેટલાક ભાગોમાં અસ્તિત્વ ધરાવે છે. પોલિયોને રોકવા માટે રસીકરણ એ જ શ્રેષ્ઠ માર્ગ છે. પોલિયોનો કોઈ ઈલાજ નથી. સ્વચ્છતાનો અભાવ આ વાયરસને જન્મ આપે છે. જે સંક્રમિત પાણી, ખોરાક કે વ્યક્તિના ચેપ લાગવાથી ફેલાય છે. પોલિયો વાયરસ તમારા મોં કે નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. ગળા અને આંતરડામાં ફેલાય છે. કેટલાક કિસ્સાઓમાં, તે મગજ અને કરોડરજ્જુમાં પ્રવેશ કરે છે અને લકવાનું કારણ બને છે. લકવો હાથ, પગ અથવા શ્વાસને નિયંત્રિત કરતા સ્નાયુઓને અસર કરી શકે છે.