રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામાન્ય પ્રજાજનો પાસે વેરા વસૂલાતમાં બેન્કના સીઝરોને પણ સારા કહેવડાવે તે રીતની ઉઘરાણી કરવામાં આવતી હોય છે અને જો બાકીદાર એક કે બે મુદત ચૂકી ગયો હોય તો મિલકત સીલ કરવાનો ધોકો પછાડવામાં આવતો હોય છે ત્યારે સરકારી કચેરીઓનો કરોડો રૂપિયાનું વેરાનું લેણું બાકી હોવા છતાં વસૂલાત કરવામાં આવતી ન હોવાનું ધ્યાનમાં આવતા દબંગ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે વેરા વિભાગના અધિકારીઓનો રીતસરનો ઊધડો લઇ નાખ્યો હતો અને તમામ સરકારી કચેરીના બાકી વેરાની વિગતો રજૂ કરવા આદેશ કર્યો હતો. વેરા વિભાગે પોલીસ તંત્ર પાસે રૂ.12.24 કરોડથી વધુનો મિલકતવેરો અને પાણીવેરો બાકી હોવાની જાણ કરતાં તેની આકરી નોટિસ આપી ઉઘરાણી કરવા અને ન ભરે તો મિલકત સીલ કરવા કડક શબ્દોમાં તાકીદ કરી હતી.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે નાના બાકીદારોને જ હેરાન કરવાના બદલે સરકારી કચેરીઓનો કેટલો વેરો બાકી છે અને કેટલાને નોટિસ આપી છે, કેટલા સામે કાર્યવાહી કરી છે સહિતની વિગતો રજૂ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. જેથી વેરા વિભાગના અધિકારીએ પોલીસ તંત્ર પાસે કુલ રૂ.12,24,96,833નો મિલકતવેરો અને પાણીવેરો બાકી હોવાની માહિતી પૂરી પાડી હતી. જેમાં શહેર પોલીસ તંત્રની 185 મિલકતનો રૂ.7,62,94,088 મિલકતવેરો, 53 મિલકતનો રૂ.4,30,88,506નો પાણીવેરો તથા રૂરલ પોલીસનો 105 મિલકતનો રૂ.16,67,207 વેરો તથા 3 મિલકતનો રૂ.14,47,032 પાણીવેરાનો સમાવેશ થાય છે.
પોલીસ તંત્રને નોટિસ અપાઇ છે કે કેમ તેની પૃચ્છા થતાં વેરા વિભાગે નોટિસનું લખાણ રજૂ કરતાં ચેરમેન જયમીન ઠાકરે તે ફગાવી દીધું હતું અને સિટી અને રૂરલ પોલીસ તંત્રના જવાબદાર અધિકારીઓની જવાબદારી ફિક્સ થાય તે રીતની આકરી નોટિસ આપવા તાકીદ કરી હતી. તેમજ આ માટે વેરા વિભાગના અધિકારીની પણ જવાબદારી ફિક્સ કરવામાં આવી હતી.