ગુજરાતમાં ઘરફોડ ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યા છે. સવારના સમયે બંધ મકાન અને એકલદોકલ રહેતા લોકોની રેકી કરીને ચોરોની ટોળકી રાત્રે ચોરીને અંજામ આપી રહી છે, ત્યારે અમદાવાદની સોલા હાઈકોર્ટ પોલીસે ચાણક્યપુરીમાં મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસકર્મીઓએ ચોરને પકડવા માટે મધ્યપ્રદેશ સુધી જઈને કેસ ઉકેલી નાખ્યો છે. ચોરને પકડવા કોઈ પોલીસવાળાએ શાકભાજી વેચ્યાં તો કોઈને ફુગ્ગા વેચવા પડ્યા અને આખરે વેશપલટો કરીને પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા ગુલાબજી ઠાકોરે ગત 21 ડિસેમ્બરે તેમના મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરીની ફરિયાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ કમિશનર કક્ષાએથી ગુનો ઉકેલી નાખવાની સૂચના પોલીસને આપવામાં આવી હતી, જેને લઈને પોલીસકર્મીઓએ CCTV અને ટેક્નિકલ મોનિટરિંગ શરૂ કર્યું હતું.
એમાં ગુનાના રૂટના CCTV કેમેરા ચેક કરતાં આરોપી એક્ટિવા લઈ ચાણક્યપુરીબ્રિજ નીચે આવ્યો હતો, જ્યાંથી કાચના મંદિર પાસે થઈ ચાંદલોડિયા ગરનાળા થઈ ત્યાં એક ચાની દુકાન પર ચા પીવા ઊભો રહ્યો હતો. પોલીસને બાતમી મળી હતી, CCTV ફુટેજમાં દેખાય છે એ ગોલ્ડન કલરના એક્ટિવા જગતપુર ગામ રહેતા એક શખસનું હોવાનું જાણવા મળ્યું, ત્યાર બાદ સદર એકટિવાના માલિકની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે તેણે દશેક દિવસ પહેલાં આ એક્ટિવા વેચાણથી એક વ્યક્તિને આપ્યું હતું. એ આધારે એ વ્યક્તિનો સંપર્ક કરતાં તેણે જણાવ્યું કે તેનો મિત્ર આનંદ શર્મા ગ્વાલિયર ખાતેથી આવ્યો અને એક્ટિવા વાપરવા માટે લઈ ગયો હતો. એ એક્ટિવા હજુ સુધી તેણે મને પરત કર્યું નથી.
ત્યાર બાદ તાત્કાલિક પોલીસ-ઇન્સ્પેકટરે એક ટીમ ગ્વાલિયર રવાના કરી હતી, જ્યાં ટેક્નિકલ રિસોર્સિસની મદદથી જાણવા મળ્યું કે આ શખસ ગ્વાલિયરના હજીરામાં રહે છે. એ જ્ગ્યા ખૂબ જ ભીડભાડવાળી અને ગીચ વસતિવાળી હોવાથી પોલીસની ટીમના માણસોએ રાત્રિના સમયે વેશપલટો કરી સદર શખસની વોચ રાખી હતી. બીજા દિવસે સવારે ત્યાં આવેલા રાઠોડ ચોક હજીરા ખાતે શખસ દૂરથી આવતો જણાતાં તેને પોલીસ પાસે રહેલા CCTV ફૂટેજના ચહેરા સાથે મેચ કરતાં સદર શખસ હોઈ, તેને રોકી લઈ નામ-ઠામ પૂછતાં તેણે આનંદ પંડિત હોવાનું જણાવ્યું હતું તેમજ પોલીસે તેને ગુના વિશે પૂછતાં તેણે ગુનો કબૂલી લીધો હતો. પોલીસે તેની પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત 1.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.