ગોંડલ ગ્રામ્ય પેટા વિભાગ કચેરી-1ના કોલ સેન્ટરમાં એક રાત્રિના જુનિયર એન્જિનિયર ગોપાલ ધડુક કઢંગી હાલતમાં સૂતો હતો તે ક્ષણનો વીડિયો બહાર આવતા વિવાદ થયો હતો. આ સમગ્ર પ્રકરણમાં પીજીવીસીએલના એમ.ડી.એ તપાસ કરવા આદેશ આપ્યા હતા, પરંતુ કેટલાક સ્થાનિક અધિકારીઓ આ સમગ્ર પ્રકરણમાં જુનિયર ઈજનેરને બચાવવાની કોશિશ કરી રહ્યા હોય એમ વીડિયો 7થી 8 મહિના જૂનો હોવાનો રિપોર્ટ આપીને તપાસ પૂર્ણ કરી દેવાના મૂડમાં હતા, પરંતુ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરે આ આખો રિપોર્ટ ગોંડલ પાછો મોકલ્યો છે અને જરૂર પડ્યે પોલીસની મદદ લેવા અને હજુ બારિકાઇથી તપાસ કરવા સૂચના આપી છે.
જ્યારે બીજીબાજુ ધ્રાંગધ્રાના રાજસીતાપુરમાં JE અને DEના એ.સી.કાંડમાં પણ ઉચ્ચ અધિકારી તપાસ કરી રહ્યા છે તેમાં પણ જેઈ અને ડીઈની તરફેણમાં તપાસ થઇ રહી હોવાનું જાણવા મળ્યું છે. કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લીધા અને સીધા ઈજનેરના ખાતામાં જમા થઇ જતા હવે તેઓ ફસાઈ ગયા છે. ખાતાની એન્ટ્રી બદલી શકાય નહીં એટલે હવે કોન્ટ્રાક્ટરોએ સ્વેચ્છાએ પૈસા આપ્યા હોવાના નિવેદનો લઈને ઈજનેરોને બચાવવાની કોશિશ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ બંને પ્રકરણમાં પીજીવીસીએલના એમ.ડી.ની નજર છે. બંને વિવાદનો રિપોર્ટ આવ્યા બાદ તેમની સામે આકરાં પગલાં લેવાઈ શકે છે.
ગોંડલનો વિવાદ અતિ ગંભીર બાબત છે કારણ કે, વીજ કંપનીના કોલ સેન્ટરમાં રાત્રે ફોન ઉપડતાં નથી અને ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોલ સેન્ટરમાં આવતી ફરિયાદોનો યોગ્ય નિકાલ થાય તેમજ ગ્રાહકોને પાવર સપ્લાયમાં કોઇ તકલીફ ન થાય તે જોવાની ફરજ જુનિયર ઇજનેર તરીકે ગોપાલ ધડુકની છે, રાત પડે અને ધડુક નશામાં ધૂત હોય છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ધડુક કચેરીમાં જ નશો કરતો હોવાની વાતથી કચેરીના કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ વાકેફ હતા, પરંતુ હાલ આ સમગ્ર પ્રકરણમાં તેને બચાવવાનો પ્રયત્ન થઇ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.