રાજકોટમાં રહેતા અને શાપર-વેરાવળમાં બે ઉદ્યોગપતિને મોટો ઓર્ડર આપવાના બહાને પટણા બોલાવી 36.50 લાખ ખંડણી માગવાના પ્રકરણમાં શાપર-વેરાવળ પોલીસે ગુનો નોંધ્યો છે. ઉદ્યોગપતિ પાસેથી ખંડણી પડાવનાર ટોળકીને પકડવા પોલીસે ટીમો બનાવી છે જે ઝારખંડ જશે.
રાજકોટમાં રહેતા મહેકભાઈ અરજણભાઈ ચોવટિયા નામના ઉદ્યોગપતિએ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં સેન્ટ્રલ કોર્લફિલ્ડ લિમિટેડ કંપની હજારીબાગ ચરહી ઝારખંડના એજીએમ શિવરાજ સગી અને રાહુલ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આરોપીએ મોટો ઓર્ડર આપવાના બહાને પટના બોલાવ્યા હતા ત્યાં પટના એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ રાહુલ તથા તેની સાથે બીજો માણસ ઊભો હતો અમે તેની ગાડીમાં બેસી ગયા હતા. ડ્રાઈવરે એક રસ્તામાં જતી મહિલા સાથે કાર અથડાવી હતી. આ અકસ્માતમાં મહિલાને લાગી જતા તેને દવાખાને લઈ જવા માટે રાહુલ નામનો શખ્સ ઉતરી ગયો હતો અને કારનો ડ્રાઇવર અમને 70 થી 80 કિલોમીટર દૂર લઈ જઈ રસ્તામાં ગાડી ઉભી રાખી હતી. ત્યાંથી એક માણસ અમારી સાથે ગાડીમાં બેસી ગયો હતો અને તેને અમને ગન બતાવીને ધાક-ધમકી આપી હતી. આગળ ગયા બાદ બે મોટરસાઇકલમાં ચાર માણસો આવ્યા હતા. તેઓ મને અને મારી સાથે રહેલા કાકા આશિષભાઈ પાસેથી રહેલી રોકડ,મોબાઇલ, લઈ લીધા એ પછી રાહુલ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને તેની સાથે આવેલા અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ કાર દૂર ખેતરમાં લઇ ગયા હતા ત્યાં અમારી સાથે રહેલા બે માણસો ઉતરી ગયા અને બીજા બે માણસો હાજર હતા.
આ પછી રાહુલ તથા તેની સાથેનો બીજો એક માણસ કાર લઈને ત્યાંથી જતા રહ્યા બાદ હાજર અન્ય ચાર લોકોએ અમને દોઢથી બે કિલોમીટર ચલાવી એક ખેતરની ઓરડીમાં લઈ ગયા. ત્યાં બીજા પાંચ માણસો હાજર હતા. જ્યાં અમારી પાસે બેંક ડિટેલ્સ માંગવામાં આવી હતી. મોડીરાત્રીના તેઓએ અમારી પાસે રૂ. 1.50 કરોડની માંગણી કરી હતી. જો નહિ આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજા દિવસે એટલે કે 28 માર્ચના રોજ સવારે મારા પિતા અને પરિવાર સાથે વ્હોટસએપ કોલ કરીને પચાસ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો નહિ આપો તો અમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ અમને મારઝૂડ કરતા હતા. મારા પિતાએ પૈસા આપવાની હા પાડતા બેંક એકાઉન્ટમાં રૂ. 2.50 લાખ જમા કરાવ્યા હતા એ પછી તેઓએ અમને એક કારમાં બેસાડીને ઈસ્લામપુર ટાઉનથી દૂર ઉતારી દીધા હતા.