પંજાબના ખેડૂતો મંગળવારે 13 ફેબ્રુઆરીએ દિલ્હી ચલો કૂચ કરી છે. દિલ્હીની આસપાસની સરહદો પર ખેડૂતોને રોકવા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર બેરિકેડિંગ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે પોલીસે ડ્રોનથી ટિયરગેસના શેલ છોડ્યા હતા. હરિયાણામાં ઘણી જગ્યાએ ખેડૂતોએ બેરિકેડ્સ હટાવવાના પ્રયાસ કર્યા હતા.
પંજાબના એક ખેડૂતે કહ્યું હતું કે અમે સોઈથી લઈને હથોડી સુધી બધું લઈને નીકળ્યા છે. અમારી પાસે ડીઝલ અને પથ્થર તોડવાનાં સાધનો પણ પૂરતાં પ્રમાણમાં છે. અમે ગામમાંથી 6 મહિનાનું રેશન પણ સાથે લઈ લીધું છે.
આંદોલનને જોતાં દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢની સરહદો સીલ કરી દેવામાં આવી છે. હરિયાણાના 7 અને રાજસ્થાનના 3 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ છે. 15 જિલ્લામાં કલમ 144 લાગુ છે. હરિયાણાઅને દિલ્હીની સિંઘુ-ટીકરી બોર્ડર અને યુપી સાથે જોડાયેલી ગાઝીપુર બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં પણ કડક બેરિકેડિંગ કરાયુ છે. અહીં એક મહિના માટે કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે. ભીડ એકઠી કરવા અને ટ્રેક્ટરના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
12 ફેબ્રુઆરીની રાત્રે ચંદીગઢમાં સાડા 5 કલાક સુધી ચાલેલી બેઠકમાં ખેડૂતનેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે લઘુતમ ટેકાના ભાવ (MSP) ગેરંટી કાયદા અને લોન માફી પર કોઈ સંમતિ થઈ શકી નથી. આ પછી કિસાન મજદૂર મોરચાના સંયોજક સરવણ સિંહ પંઢેરે દિલ્હી કૂચની જાહેરાત કરી હતી.